| (IMAGE - IANS) |
LSG vs CSK IPL 2026: રિષભ પંતની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ભલે આઇપીએલ 2026ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ તે હવે અન્ય ટીમોનું પ્લેઓફ સમીકરણ બગાડવામાં લાગી ગઈ છે. લખનઉની ટીમનો પહેલો શિકાર 5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) બની છે. લખનઉએ ચેન્નઈ સામેની મેચમાં 7 વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી. આ જીતથી કેપ્ટન રિષભ પંત ચોક્કસપણે ખુશ થયો હશે, પરંતુ તેની આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આઇપીએલ કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન કરવા બદલ પંતને સજા ફટકારવામાં આવી છે અને દંડ પણ લગાવવામાં આવ્યો છે.
સ્લો ઓવર રેટ બદલ રિષભ પંતને ₹12 લાખનો દંડ
આઇપીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત પર શુક્રવારે લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ નંબર 59 દરમિયાન સ્લો ઓવર રેટ જાળવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલના કોડ ઓફ કન્ડક્ટના આર્ટિકલ 2.22 હેઠળ, આ સીઝનમાં લખનઉની ટીમની આ પહેલી ભૂલ હતી, તેથી કેપ્ટન રિષભ પંત પર ₹12 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે.
મિચેલ માર્શની તોફાની ઇનિંગ્સ, ચેન્નઈને પ્લેઓફ માટે મોટો ઝટકો
લખનઉ સુપર જાયન્ટ્સે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શની 90 રનની તોફાની ઇનિંગ્સની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને 20 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાની તેની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે 187 રન પર રોક્યા બાદ, પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ચૂકેલી લખનઉની ટીમે માત્ર 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 188 રન બનાવી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આ હારથી ચેન્નઈના નેટ રનરેટને પણ ભારે નુકસાન થયું છે.
ચેન્નઈ સુપર કિંગ્સની 12 મેચોમાં આ છઠ્ઠી હાર છે, જેના કારણે ટીમનો નેટ રનરેટ 0.185થી ઘટીને 0.027 થઈ ગયો છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે.
લખનઉની આક્રમક બેટિંગ સામે સીએસકેના બોલરો લાચાર
મિચેલ માર્શે પોતાની 38 બોલની ઇનિંગ્સમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ઓપનિંગ વિકેટ માટે જોશ ઇંગ્લિશ (35 રન) સાથે મળીને માત્ર 70 બોલમાં 135 રનની તોફાની ભાગીદારી કરીને મેચની શરૂઆતમાં જ ચેન્નઈની પકડ ઢીલી કરી દીધી હતી. માર્શ અને નિકોલસ પૂરને (17 બોલમાં અણનમ 32 રન) મળીને ચેન્નઈના અંશુલ કમ્બોજની એક જ ઓવરમાં ચાર-ચાર છગ્ગા ફટકાર્યા હતા. કમ્બોજે પોતાની 2.4 ઓવરના સ્પેલમાં 63 રન લૂંટાવ્યા હતા.
આ પણ વાંચો: 'ચિપ્સ-કોલ્ડ્રિંક્સના પૈસા માગનારા પંજાબને સલાહ ન આપે...' અર્શદીપની પોસ્ટ પર ફરી વિવાદ
ચેન્નઈ તરફથી કાર્તિક શર્મા અને શિવમ દુબેની લડાયક બેટિંગ
મિચેલ માર્શની આક્રમક ઇનિંગ્સે ચેન્નઈના યુવા બેટર કાર્તિક શર્માની શાનદાર ઇનિંગ્સને ફીકી પાડી દીધી હતી. ટૉપ ઓર્ડરના બેટર્સ સસ્તામાં આઉટ થયા બાદ, ચેન્નઈએ કાર્તિક શર્માની 71 રનની સંયમિત ઇનિંગ્સની મદદથી સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 7.2 ઓવરમાં 52 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ કાર્તિક શર્મા અને ડેવાલ્ડ બ્રેવિસે (25 રન) ચોથી વિકેટ માટે 70 રન જોડીને ઇનિંગ્સને સંભાળી હતી. કાર્તિકે 42 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે બ્રેવિસે 16 બોલમાં 2 છગ્ગા લગાવ્યા હતા. અંતિમ ઓવરોમાં શિવમ દુબેએ 16 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 32 રન ફટકારીને ટીમને 187 રન સુધી પહોંચાડી હતી.


