Akashdeep Ruled Out IPL 2026 KKR: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ IPLના મિની ઓક્શનમાં સૌથી મોટું પર્સ લઈને મેદાનમાં ઉતરી હતી. તેણે કેમરૂન ગ્રીન અને મથીશા પાથિરાના જેવા ટોચના ખેલાડીઓ પર કરોડો ખર્ચ્યા હતા. પરંતુ હવે તે જ KKR ટીમ સૌથી નબળી દેખાવા લાગી છે. હર્ષિત રાણા બાદ ફાસ્ટ બોલર આકાશદીપ પણ IPL 2026 માંથી બહાર થઈ ગયો છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ આકાશદીપ આગામી સિઝનમાં એક પણ મેચ રમી શકશે નહીં.
આકાશદીપને 1 કરોડમાં KKRએ ખરીદ્યો હતો
ક્રિકબઝના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોલકાતા નાઈટ રાઈડર્સના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે આકાશદીપ IPL 2026માંથી બહાર થઈ ગયો છે. મિની ઓક્શનમાં KKRએ આકાશદીપને 1 કરોડ રૂપિયાની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
KKRની મુશ્કેલી વધી
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ પહેલા હર્ષિત રાણા બહાર થઈ ચૂક્યો છે, જે દક્ષિણ આફ્રિકા સામે ટી20 વર્લ્ડ કપ 2026ની વોર્મ-અપ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ, મથીશા પાથિરાનાને હજુ સુધી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી મંજૂરી (NOC) મળી નથી. આવી સ્થિતિમાં પાથિરાના પણ શરૂઆતની મેચોમાંથી બહાર રહી શકે છે.
આકાશદીપ ટ્રેનિંગ કેમ્પમાં નથી દેખાયો
કોલકાતા નાઈટ રાઈડર્સનો ટ્રેનિંગ કેમ્પ 18 માર્ચથી શરૂ થઈ ગયો હતો, પરંતુ આકાશદીપે શરૂઆતથી જ તેમાં ભાગ લીધો ન હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હાલમાં બેંગલુરુમાં BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' માં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. તેને ક્યાં ઈજા થઈ છે અને તેની તબિયત અત્યારે કેવી છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ સામે આવ્યું નથી. આકાશદીપનો ઈજાઓ સાથે જૂનો નાતો રહ્યો છે. તે છેલ્લા ચાર સિઝનથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સક્રિય છે, પરંતુ ઈજાઓને કારણે તે તેની IPL કારકિર્દીમાં માત્ર 14 મેચ રમી શક્યો છે, જેમાં તેના નામે માત્ર 10 વિકેટ છે. ગત સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેને 8 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો, પરંતુ LSGએ એક જ સિઝન બાદ તેને રિલીઝ કરી દીધો હતો.

હર્ષિત ઈજાગ્રસ્ત હોવાના કારણે KKRને મોટો ફટકો
હર્ષિત રાણા કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી શકશે નહીં. હર્ષિતે છેલ્લા બે સિઝનમાં કુલ 34 વિકેટ લીધી છે. હર્ષિત ઈજાગ્રસ્ત થવાના કારણે KKRને મોટો ફટકો પડશે. હર્ષિતને સાઉથ આફ્રિકા સામે T20 વર્લ્ડ કપ પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજા પહોંચી હતી. જ્યારે ફાસ્ટ બોલર નાથન એલિસ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે IPL 2026માંથી બહાર થઈ ગયો છે, જેની ચેન્નાઈ સુપર કિંગ્સને અસર પડશે. સેમ કરન આ વર્ષે રાજસ્થાન રોયલ્સ માટે રમવાનો હતો, પરંતુ ગ્રોઈન ઈન્જરીના કારણે તે બહાર થઈ ગયો છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે જેક એડવર્ડ્સ IPL ડેબ્યુ કરવાનો હતો, પરંતુ પગમાં ઈજા થવાના કારણે તેને હવે ડેબ્યુ માટે રાહ જોવી પડશે.
પેટ કમિન્સ સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆતની મેચો નહીં દેખાય
પેટ કમિન્સ સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆતની મેચો માટે ઉપલબ્ધ નહીં રહે. ઈજાને કારણે 2026ના T20 વર્લ્ડ કપમાં પણ તે રમી શક્યો ન હતો. મિચેલ સ્ટાર્ક, લોકી ફર્ગ્યુસન, મેથ્યુ શોર્ટ, ઈશાન મલિંગા અને અથર્વ અંકોલેકર મંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ નહીં કરી શકે.

ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંપૂર્ણ લિસ્ટ
-હર્ષિત રાણા
-નાથન એલિસ
-સેમ કરન
-પેટ કમિન્સ
-જેક એડવર્ડ્સ
-મિચેલ સ્ટાર્ક
-ઈશાન મલિંગા
-લોકી ફર્ગ્યુસન
-અથર્વ અંકોલેકર
-મેથ્યુ શોર્ટ
-આકાશદીપ
ફ્રેન્ચાઇઝીઓ માટે મુશ્કેલી
ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ માટે પ્લેઇંગ-11 સેટ કરવામાં મોટી મુશ્કેલી પેદા થઇ છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ મહત્વના બોલરો અને ઓલરાઉન્ડરો ગુમાવવા એ કોઈપણ ટીમ માટે રણનીતિક રીતે મોટું નુકસાન છે.


