Get The App

અજિંક્ય રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
અજિંક્ય રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો 1 - image
 AI IMAGE

IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે IPL 2026 અત્યાર સુધી કોઈ ખરાબ સ્વપ્ન સાબિત થઇ રહ્યું છે. ટીમ માત્ર મેદાન પર જ નથી હારી રહી, પરંતુ તેની રણનીતિ અને નેતૃત્વ પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. 5 મેચ અને એક પણ જીત મળી શકી નથી. આ આંકડો KKR ના ચાહકો માટે ચિંતાજનક છે.

ભૂતકાળની યાદોમાં કેદ KKR રિંકુ સિંહનો ફ્લોપ શો

KKR ની સૌથી મોટી સમસ્યા એ છે કે, તે વર્તમાન પ્રદર્શન કરતા ભૂતકાળની યાદોમાં વધુ જીવી રહી છે. રિંકુ સિંહે ક્યારેક 5 બોલમાં 5 છક્કા માર્યા હતા, પરંતુ ટીમે એ પીક મોમેન્ટને કાયમી સત્ય માની લીધું છે. પૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે પણ આકરી ટીકા કરતા કહ્યું કે, રિંકુ સિંહ કોઈ વિસ્ફોટક ફિનિશર નથી. તે સ્ટ્રાઈક રોટેટ કરવામાં સારો છે, પણ જ્યારે રન રેટ 10-12 પર પહોંચે ત્યારે તે ફેલ જાય છે.

રિંકુસિંહના બેક ટુ બેક ફ્લોપ શો

આઈપીએલ 2026ની 4 પારીઓમાં રિંકુનો સ્કોર 33*, 35, 4, અને 6 રન રહ્યો છે. છેલ્લા 26 આઈપીએલ પારીઓમાં તેના નામે એક પણ ફિફ્ટી નથી. તેમ છતાં, 13 કરોડના આ ફિનિશરને ટીમ મેનેજમેન્ટ સતત પ્રમોટ કરી રહ્યું છે, જે હવે આત્મવિશ્વાસ નહીં પણ જિદ જેવું લાગી રહ્યું છે.

અજિંક્ય રહાણે કપ્તાની પર લટકતી તલવાર

કેપ્ટન અજિંક્ય રહાણે માટે પણ આ સિઝન અત્યંત મુશ્કેલ બની રહી છે. જો સિઝનની વચ્ચે જ તેની પાસેથી કપ્તાની છીનવી લેવામાં આવે તો નવાઈ નહીં હોય. રહાણેનો આઈપીએલ કપ્તાનીનો રેકોર્ડ ખુબ જ નબળો છે. 43 મેચોમાં કપ્તાની કરી હોવા છતાં તેનો જીતનો દર માત્ર 34.14% છે, જે 30 થી વધુ મેચમાં કપ્તાની કરનાર ખેલાડીઓમાં સૌથી ખરાબ છે. રહાણેની બેટિંગમાં પણ એ આક્રમકતા જોવા નથી મળી રહી જે આજના ઈમ્પેક્ટ પ્લેયરના જમાનામાં જરૂરી છે. તેનો 125 આસપાસનો સ્ટ્રાઈક રેટ ટોપ ઓર્ડર માટે પૂરતો નથી. આ અગાઉ પણ રાજસ્થાન રોયલ્સે રહાણેને વચ્ચે સિઝનમાંથી કપ્તાની પરથી હટાવ્યો હતો, એટલે જો KKR આ નિર્ણય લેશે તો તે રહાણે માટે નવી વાત નહીં હોય.

આ પણ વાંચો: વડોદરા સ્થાનિક ચૂંટણીમાં મોટો ખેલ, બે દિવસથી ગુમ કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચી

શ્રેયસ અય્યરને ન જીતવાની ભૂલ?

KKR ની વર્તમાન સ્થિતિ પાછળ મેનેજમેન્ટની રિટેન્શન પોલિસી પણ જવાબદાર ગણાઈ રહી છે. જે શ્રેયસ અય્યરે 2024 માં ટીમને ચેમ્પિયન બનાવી હતી, તેને ટીમે રિટેન ન કર્યો અને ઓક્શનમાં પણ તેના પર પૂરતી બોલી લગાવી નહીં. પરિણામે, ટીમે રહાણે જેવા બેકઅપ ઓપ્શનને કેપ્ટન બનાવવો પડ્યો.

વિકલ્પ શું છે?

જો રહાણેને હટાવવામાં આવે તો કપ્તાન કોણ? રિંકુ સિંહ વાઈસ કેપ્ટન છે, પણ તેનું પોતાનું ફોર્મ અત્યંત ખરાબ છે. મનીષ પાંડે છે તેઓ અનુભવી છે પણ પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત નથી. રોવમેન પોવેલ વેસ્ટ ઈન્ડિઝની કપ્તાનીનો અનુભવ છે, પણ વિદેશી ખેલાડી હોવાથી ટીમ કોમ્બિનેશન નડશે.

ઝડપથી બદલી રહેલા ફોર્મેટમાં જોખમી છે ભુતકાળ

KKR એ હવે સમજવું પડશે કે, ક્રિકેટ યાદો પર નહીં પણ આજના સ્કોરબોર્ડ પર રમાય છે. જો ટીમ સેમિ ફાઇનલની રેસમાં ટકી રહેવા માંગતી હોય, તો તેણે ફ્લૅશબેકમાંથી બહાર આવીને સાહસિક નિર્ણયો લેવા પડશે. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચમાં કેકેઆર નવા કલેવર સાથે ઉતરે છે કે પછી હારનો સિલસિલો યથાવત રહે છે.