| (IMAGE - IANS) |
Angkrish Raghuvanshi: લખનઉના મેદાન પર રમાયેલી રોમાંચક મેચ બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના યુવા બેટર અંગકૃષ રઘુવંશી સામે IPL દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) સામેની મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવી આ ખેલાડીને ભારે પડી છે. મેચમાં જ્યારે થર્ડ અમ્પાયરે રઘુવંશીને 'ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ' હેઠળ આઉટ જાહેર કર્યો, ત્યારે તે આ નિર્ણયથી ઘણો હતાશ દેખાયો હતો અને મેદાન પર જ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
IPLએ ફટકાર્યો મોટો દંડ
આઈપીએલના સત્તાવાર નિવેદન મુજબ, આચાર સંહિતાના ભંગ બદલ અંગકૃષ રઘુવંશી પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે જ તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. રઘુવંશીને આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1નો દોષી માનવામાં આવ્યો છે. આ કલમ મેચ દરમિયાન ક્રિકેટના સાધનો અથવા મેદાનની સામગ્રીના દુરુપયોગ સાથે સંબંધિત છે. રઘુવંશીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજાનો સ્વીકાર કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
KKRની ઇનિંગની પાંચમી ઓવરમાં જ્યારે રઘુવંશીને વિવાદિત રીતે આઉટ આપવામાં આવ્યો, ત્યારે તે પોતાનો સંયમ ગુમાવી બેઠો હતો. આઉટ થઈને પરત ફરતી વખતે તેણે ગુસ્સામાં પોતાના બેટથી બાઉન્ડ્રી કુશન પર જોરદાર પ્રહાર કર્યો હતો અને ત્યારબાદ હેલ્મેટને પણ ડગઆઉટ તરફ જોરથી ફેંક્યું હતું. ખેલાડીનું આવું આક્રમક વર્તન શિસ્તભંગ માનવામાં આવે છે, જેના કારણે આ એક્શન લેવામાં આવ્યું છે.
મેચનું પરિણામ: સુપર ઓવરમાં KKRની જીત
વિવાદો વચ્ચે પણ આ મેચ અત્યંત રોમાંચક રહી હતી. લખનઉ અને કોલકાતા વચ્ચેની આ મેચ છેલ્લી ઘડી સુધી હાઈ-વોલ્ટેજ રહી અને અંતે સુપર ઓવરમાં પહોંચી હતી. મેચના છેલ્લા બોલ પર લખનઉને જીતવા માટે 7 રન જોઈતા હતા ત્યારે મોહમ્મદ શમીએ લોન્ગ-ઓફ પર સિક્સર ફટકારીને સ્કોર બરાબર કરી દીધો હતો. જોકે, સુપર ઓવરમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર પ્રદર્શન કરીને લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.


