Get The App

SRH vs LSG : સનરાઇઝર્સ હૈદરાબાદની 6 વિકેટથી જીત, લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસથી બહાર

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
SRH vs LSG


IPL 2025 SRH vs LSG : IPL 2025ની 61મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઇ હતી. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદે 6 વિકેટથી જીતી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી LSGએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જે પછી SRHની ટીમે 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચમાં હાર સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે.

મેચમાં LSGનું પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી હતી. ટીમના ઓપનર બેટર્સ મિચેલ માર્શે 39 બોલમાં 65 રન બનાવ્યા હતા અને એડન માર્કરમે 38 બોલમાં 61 રન બનાવીને સારું પ્રદર્શન કર્યું હતું. નિકોલસ પૂરને 26 બોલમાં 45 રન ફટકારી મહત્ત્વની ઇનિંગ રમી હતી. જો કે, આ સિવાયના તમામ બેટર્સ ફ્લોપ સાબિત થયા હતા. કેપ્ટન રિષભ પંત પણ 6 બોલમાં 7 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. એમ લખનઉની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો, લખનઉના બોલર દિગ્વેશ રાઠીએ બે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. આ સિવાય વિલ ઓ'રૂરકે અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી. 

મેચમાં SRHનું પ્રદર્શન

206 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદના બેટર અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી 20 બોલમાં 59 રન બનાવ્યા હતા. આ સિવાય ઇશાન કિશને 28 બોલમાં 35 રન, હેનરિક ક્લાસેને 28 બોલમાં 47 રન અને કમિન્દુ મેંડિસે 21 બોલમાં 35 રન બનાવીને હૈદરાબાદની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત હૈદરાબાદના બોલર્સ એશન મલિંગાએ 2 વિકેટ તેમજ હર્ષ દૂબે, હર્ષલ પટેલ અને નિતિશ કુમાર રેડ્ડીએ 1-1 વિકેટ ઝડપી હતી. 

દિગ્વેશ અને અભિષેક વચ્ચે વિવાદ

મેચમાં અભિષેક શર્મા સારું પ્રદર્શન કરી રહ્યો હતો. જો કે, દિગ્વેશ રાઠીની ઓવરમાં અભિષેક કેચ આઉટ થયો હતો. જે પછી દિગ્વેશે નોટબૂક સેલિબ્રેશન કરીને અભિષેકની પજવણી કરી હતી, જેના પર અભિષેક ભડકી ઉઠતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. જો કે, એમ્પાયર્સ અને અન્ય ખેલાડીઓએ બંને ખેલાડીઓને અટકાવતા વિવાદ વકર્યો નહોતો. નોંધનીય છે કે, અગાઉ BCCIએ નોટબૂક સેલિબ્રેશન કરવા બદલ દિગ્વેશ રાઠીને બે વાર દંડ પણ ફટકાર્યો હતો.  

લખનઉ પ્લેઓફની રેસમાંથી બહાર

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં હાર સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલા જ પ્લેઓફ્સમાંથી બહાર થઇ ગઇ હતી. આ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ પ્લેઓફમાં ક્વોલિફાઇ થયા ગયા છે અને હવે પ્લેઓફમાં બાકી રહેલા એક સ્થાન પર ક્વોલિફાઇ કરવા માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો છે.

Tags :