IPL 2025: રાજસ્થાન રૉયલ્સને મોટો ઝટકો, સંજૂ સેમસન અનિફટ; આ સ્ટાર ખેલાડી નવો કેપ્ટન
Sanju Samson, IPL 2025: રાજસ્થાન રોયલ્સ (RR) ના કેપ્ટન સંજુ સેમસન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની પ્રથમ ત્રણ મેચમાં નહીં રમી શકશે. રાજસ્થાન 23 માર્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે પોતાના IPL 2025 અભિયાનની શરૂઆત કરશે. સંજુની ગેરહાજરીમાં સ્ટાર બેટર રિયાન પરાગને કમાન સોંપવામાં આવી છે.
સેમસન ઈજાગ્રસ્ત થતાં સ્ટાર બેટરને કમાન સોંપાઈ
રાજસ્થાન રોયલ્સ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન સંજુને ઇંગ્લેન્ડ સામેની T20 મેચ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેણે આ માટે સર્જરી કરાવી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ હજુ સુધી તેમને વિકેટકીપિંગ માટે ક્લીનચીટ નથી આપી. સેમસનની ગેરહાજરીમાં રિયાન પરાગ પ્રથમ IPL ચેમ્પિયન ટીમની કેપ્ટનશીપ કરશે. હવે તે IPLના ઈતિહાસમાં ફ્રેન્ચાઈઝીની કમાન સંભાળનાર સૌથી યુવા ક્રિકેટર બની જશે.
ટીમ પ્રત્યેની તેની સમજ શાનદાર
રિયાન પરાગને કેપ્ટનશીપ આપવાના નિર્ણય અંગે રાજસ્થાન રોયલ્સે કહ્યું કે, 'રાજસ્થાન રોયલ્સનો રિયાનને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય તેમના નેતૃત્વમાં ફ્રેન્ચાઈઝીના વિશ્વાસને દર્શાવે છે, તેમણે આસામના સ્થાનિક કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન પોતાની સ્કિલને દર્શાવી છે. વર્ષોથી રોયલ્સ સેટઅપનો મહત્વપૂર્ણ સભ્ય હોવાના કારણે ટીમ પ્રત્યેની તેની સમજ શાનદાર છે.'
ધ્રુવ જુરેલને ટીમનો વિકેટકીપર બનાવી શકાય
સેમસન શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં, તેથી ધ્રુવ જુરેલને ટીમનો વિકેટકીપર બનાવી શકાય છે. જુરેલને ફ્રેન્ચાઈઝીએ 14 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ટીમમાં અન્ય કોઈ વિકેટકીપર-બેટ્સમેન નથી.
રાજસ્થાન રોયલ્સ 23 માર્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પોતાના અભિયાનની પ્રથમ મેચમાં પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાશે.
આ પણ વાંચો: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ધરપકડ, હમાસ સાથે કનેક્શનનો દાવો, ડિપોર્ટ થવાનું જોખમ
રાજસ્થાન રોયલ્સ સ્ક્વોડ: સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, શુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ, યુદ્ધવીર સિંહ, જોફ્રા આર્ચર, વાનિંદુ હસરંગા, મહિષ તીક્ષ્ણા, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે, કુમાર કાર્તિકેય, ફઝલહક ફારૂકી, આકાશ મધવાલ, ધ્રુવ જુરેલ.