IPLના રોબોટ ‘ચંપક’ના કારણે BCCIની મુશ્કેલીઓ વધી, લાગ્યો નામ ચોરીનો આરોપ
'Champak' Name Controversy: દિલ્હી પ્રેસ ન્યૂઝપેપર પબ્લિકેશન દ્વારા IPL 2025 માં રોબોટ ડોગનું નામ 'ચંપક' રાખવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. 1968 થી ચંપક કોમિક બુક પ્રકાશિત થઇ રહી છે. આ અરજી દિલ્હી પ્રેસ પબ્લિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવી છે.
દિલ્હી પ્રેસનું કહેવું છે કે તેનું નામ બાળકોના કોમિક બુક 'ચંપક' પરથી રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, પ્રેસે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે બીસીસીઆઈએ રોબોટ ડોગને 'ચંપક' કહીને રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું છે.
પ્રેસે કરી BCCI વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી
બાર અને બેન્ચના અહેવાલ મુજબ, દિલ્હી પ્રેસ વતી એડવોકેટ અમિત ગુપ્તાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, 'ચંપક કોમિક બુક બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને BCCI દ્વારા લોન્ચ કરાયેલ AI રોબોટ ડોગનું નામ કોમિક બુક પર રાખવું એ મેગેઝિનના રજિસ્ટર્ડ નામનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.'
ચાર અઠવાડિયામાં અરજીનો લેખિત જવાબ આપવો
આ અંગે જસ્ટિસ સૌરભ બેનર્જીએ કહ્યું કે, 'ચંપક હંમેશાથી એક જાણીતું બ્રાન્ડ નામ રહ્યું છે અને BCCI ને ચાર અઠવાડિયામાં અરજીનો લેખિત જવાબ આપવાનો રહેશે.'
23 એપ્રિલના રોજ કરાયું હતું નામકરણ
જો આ AI રોબો ડોગની વાત કરીએ તો હાલ આઈપીએલ ચાલી રહી છે. આ સમય દરમિયાન જ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી ફેન્સના વોટિંગના આધારે 23 એપ્રિલના રોજ આ રોબો ડોગનું નામકરણ કરવામાં આવ્યું હતું.
BCCIના વકીલે કર્યો વિરોધ
પ્રકાશક વતી હાજર રહેલા એડવોકેટ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે રોબો ડોગનું નામ 'ચંપક' રાખવું એ તેના રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન છે અને ચંપક એક જાણીતી બ્રાન્ડ હોવાથી વ્યાપારી શોષણ પણ છે.
જોકે, BCCI વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જે સાઈ દીપકે અરજીનો વિરોધ કરતા કહ્યું કે, 'ચંપક એક ફૂલનું નામ છે અને લોકો રોબો ડોગને કોઈ કોમિક બુક સાથે નહીં પરંતુ ટીવી સીરિઝ તારક મહેતા ક ઉલ્ટા ચશ્માના પાત્ર સાથે જોડી રહ્યા છે.
આ સુનાવણીમાં કોર્ટે કહ્યું કે, 'ક્રિકેટર વિરાટ કોહલીનું નીકનેમ 'ચીકુ' છે, જે ચંપક કોમિક બુક ના પાત્રોમાંનું એક છે. તો પ્રકાશકે તેમની સામે કાર્યવાહી કેમ ન કરી? આ ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કેવી રીતે છે?’
ત્યારે વકીલે કહ્યું કે, 'આઈપીએલ એક વ્યાપારી સંસ્થા છે અને તે જાહેરાત, માર્કેટિંગ અને કમાણી પર આધારિત છે.'
આ દરમિયાન કોર્ટે કેસની આગામી સુનાવણી 9 જુલાઈના રોજ નક્કી કરી છે.