Get The App

IPL 2025 RR vs LSG : ભારે રસાકસી બાદ લખનઉ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને બે રનથી હરાવ્યું

Updated: Apr 19th, 2025

GS TEAM

Google News
Google News
RR vs LSG


RR vs LSG : IPL 2025માં આજે (19 એપ્રિલ) રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં ભારે રસાકસી બાદ લખનઉ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને બે રનથી મ્હાત આપી છે. ટોસ જીત્યા બાદ લખનઉના કેપ્ટન રિષભ પંતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 178 રન જ બનાવી શકી હતી. 

મેચમાં રાજસ્થાનનું પ્રદર્શન

181 રનના ટાર્ગેટના જવાબમાં રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી યશસ્વી જયસ્વાલ સાથે ઓપનર તરીકે આવ્યો હતો. વૈભવે 20 બોલમાં 34 રનની ઇનિંગ રમી હતી. બીજી બાજુ યશસ્વી જયસ્વાલે 52 બોલમાં 74 રન બનાવીને રાજસ્થાનની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ ઉપરાંત રિયાન પરાગે પણ 26 બોલમાં 39 રન બનાવી સહયોગ આપ્યો હતો. જો કે, છેલ્લી બે ઓવરમાં બે વિકેટ ગુમાવતા રાજસ્થાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બોલિંગની વાત કરીએ તો રાજસ્થાન તરફથી વાનિંદુ હસરંગાએ બે વિકેટ જ્યારે જોફ્રા આર્ચર, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડેએ એક-એક વિકેટ ઝડપી હતી. 

મેચમાં લખનઉનું પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનઉની શરૂઆત સારી નહોતી. ઓપનર બેટર મિશેલ માર્શ માત્ર ચાર રન બનાવીને જોફ્રા આર્ચરનો શિકાર બન્યો. નિકોલસ પૂરણ અને કેપ્ટન રિષભ પંત પણ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. જો કે, એડન માર્કરમે 66 રનની ઇનિંગ રમી લખનઉને સન્માનજનક સ્કોર પર પહોંચાડવામાં ભૂમિકા ભજવી હતી. એડન માર્કરમ પછી આયુષ બદોનીએ 34 બોલમાં 50 રન ફટકાર્યા હતા. બોલિંગની વાત કરીએ તો અવેશ ખાને ત્રણ વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને એડન માર્કરમે 1-1 વિકેટ ઝડપી હતી.

સંજૂના સ્થાને રિયાન પરાગે કર્યું RRનું નેતૃત્વ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ઈજાના કારણે આ મેચમાં રમ્યો નહોતો. તેના સ્થાને રિયાન પરાગે ટીમનું નેતૃત્વ કર્યું હતું. રાજસ્થાન તરફથી રમીને વૈભવ સૂર્યવંશીએ IPLમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. આ સાથે જ વૈભવ 14 વર્ષની ઉંમરે IPLમાં રમનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. કાયમી કેપ્ટન ગેરહાજર હોવા છતાં રાજસ્થાનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. 

Tags :