Get The App

હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી 1 - image


Image Source: Twitter

SRH Captain Pat Cummins: ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 38 રને હરાવી દીધુ હતું. આ હાર સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. શુક્રવારે રમાયેલી IPL 2025ની 51મી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઈઝર્સ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન જ બનાવી શકી હતી.

હૈદરાબાદ માટે અભિષેક શર્માએ 41 બોલ પર ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા હતા, પરંતુ તેની આ શાનદાર ઈનિંગ ટીમને જીત ન અપાવી શકી. આ મેચમાં મળેલી હારથી હૈદરાબાદની આશા પર પાણી ફરી વળ્યું છે અને તેની IPL 2025ની સફર લગભગ સમાપ્ત થઈ ગઈ છે. 

હૈદરાબાદ અત્યાર સુધી 10 મેચોમાંથી માત્ર ત્રણ મેચ જીતી શક્યું છે અને પોઈન્ટ ટેબલ પર 9મા સ્થાન પર છે. ગુજરાત સામેની હાર બાદ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ નિરાશ દેખાયો. મેચ બાદ તેણે હાર માટે ખુદને પણ દોષી ઠેરવ્યો.

SRHની હાર બાદ શું કહ્યું પેટ કમિન્સે?

ગુજરાત સામેની મેચ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, અમે બેટિંગ કરતી વખતે પાવર પ્લેનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો. અમે અમારી બોલિંગમાં 20-30 રન વધારાના આપ્યા અને ફિલ્ડિંગમાં કેટલીક મહત્વપૂર્ણ કેચ ડ્રોપ કરી, જેના કારણે અમે મેચમાં પાછળ રહી ગયા.

મેચ પ્રેઝન્ટેશનમાં પેટ કમિન્સે કહ્યું કે, 'બોલિંગમાં અમે પાવરપ્લેમાં ઘણા રન આપ્યા. અમે થોડા ખરાબ બોલ પણ ફેંક્યા અને કેટલીક કેચ ડ્રોપ કરી જે અમને ભારે પડ્યું. તે એક સારી વિકેટ હતી અને અંતે અમારા બોલરોએ એક એવા ટોટલ પર તેમને અટકાવી દીધા હતા જ્યાંથી અમારા બેટ્સમેન મેચ બનાવી શકતા હતા. અહીં (અમદાવાદ)નો માહોલ ખૂબ સારો છે અને અહીં રમવાનો હંમેશા આનંદ આવે છે. આપણે આપણી અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે અને આગામી ત્રણ વર્ષ સુધી તે જ ખેલાડીઓ ટીમમાં રહેવાના છે, તો ભવિષ્યમાં સાથે મળીને ઘણું ક્રિકેટ એક સાથે રમવાનું છે.'

કેવી રહી મેચ

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 6 વિકેટ પર 224નો સ્કોર બનાવ્યો હતો. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 76 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે 64 રન બનાવ્યા. સાઈ સુદર્શને 48 રનની ઈનિંગ રમી. વોશિંગ્ટન સુંદરે 21 રન બનાવ્યા. હૈદરાબાદ તરફથી જયદેવ ઉનડકટે ત્રણ વિકેટ લીધી, જ્યારે પેટ કમિન્સ અને ઝીશાને એક-એક વિકેટ લીધી.

225 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. ટ્રેવિસ હેડ 20 રન બનાવીને સસ્તામાં પવેલિયન પરત ફર્યો. ઓપનર અભિષેક શર્માએ ટીમની ઈનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો અને 41 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 74 રન બનાવ્યા. તેના સિવાય ટીમના બાકીના બેટ્સમેન ફ્લોપ રહ્યા. કેપ્ટન પેટ કમિન્સ 19 રન બનાવીને અણનમ રહ્યો. ઈશાન કિશન 13 રન બનાવીને સસ્તામાં પવેલિયન પરત ફર્યો. આમ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ પર માત્ર 186 રન જ બનાવી શકી.

Tags :