શ્રીસંતને હરભજનનો લાફો, વિરાટ-ગંભીર વચ્ચે ખટપટ... IPLના ઇતિહાસના 5 મોટા વિવાદો
IPL Controversies: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 શરુ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. IPLની આ 18મી સીઝનની શરુઆત 22 માર્ચથી થઈ રહી છે. જ્યારે ફાઇનલ મુકાબલો 25 મેના રોજ રમાશે. પ્રથમ મેચ ઇડન ગાર્ડનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) વચ્ચે રમાશે.
IPL 2025ની સીઝનમાં આ 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. તમને જણાવી દઈએ કે, IPLનો ઇતિહાસ જેટલો રોચક રહ્યો છે એટલો જ વિવાદો સાથે ઘેરાયેલો પણ રહ્યો છે. પ્રથમ સીઝનથી લઈને 17મી સીઝન સુધી અનેક મોટા વિવાદો જોડાયા છે. તેમાં આજે આપણે IPLના ખાસ અને 5 મોટા વિવાદો અંગે જાણીશું.
IPL શરુ કરનાર ફાઉન્ડરને જ હાંકી કાઢ્યો
આ ગ્રાન્ડ અને મોટી ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગની શરુઆત લલિત મોદીએ કરી હતી. તેણે તેના માટે એડી ચોટીનું જોર લગાવી દીધુ હતું. પરંતુ પ્રથમ ત્રણ સીઝન પછી લલિત મોદીને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.
હકીકતમાં લલિત મોદી પર IPLના નાણાકીય બાબતોમાં ગેરરીતિનો આરોપ લાગ્યો હતો. જેના કારણે તેને લીગમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. લલિત મોદીને રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ ટીમોની શંકાસ્પદ હરાજી, સોની સાથે બ્રોડકાસ્ટ ડીલમાં અનિયમિતતા સહિત 5 મુખ્ય કેસોમાં આરોપી માનવામાં આવ્યો હતો. હાલમાં લલિત મોદીને ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે અને તે વાનુઆતુમાં રહે છે.
આ પણ વાંચો: ... તો શું IPLનું શિડ્યુલ બદલાશે? એક મેચના કારણે ફસાયો પેચ, BCCI ધંધે લાગ્યું!
શ્રીસંતને હરભજનનો લાફો
IPL 2013ની સીઝન માત્ર રોમાંચક મેચની સાથે-સાથે હરભજન સિંહ અને એસ શ્રીસંત વચ્ચેના વિવાદને કારણે પણ ચર્ચામાં રહી હતી. આ સીઝનની શરુઆતના 12મા દિવસે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (તે સમયે કિંગ્સ ઈલેવન પંજાબ) વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ શ્રીસંતે હરભજન સિંહને 'હાર્ડલક' કહ્યું. આ શબ્દ સાંભળીને હરભજન ભડકી ગયો અને તેણે શ્રીસંતને મેદાન પર જ લાફો મારી દીધો. જેના પર તે રડતો જોવા મળ્યો અને આ મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. આ હરકત બદલ હરભજન પર આખી સીઝન માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જ્યારે BCCIએ તેને 5 વનડે મેચમાંથી પણ બહાર કરી દીધો હતો. જોકે, હવે બંને સારા મિત્રો બની ગયા છે.
જાડેજા પર એક વર્ષનો પ્રતિબંધ
IPLમાં ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી લોભામણી ઓફરો આપતી રહે છે. ઘણા ખેલાડીઓ આ જાળમાં ફસાઈ જાય છે, તો ઘણા પ્રમાણિક રહે છે. આવા જ એક મામલામાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફસાઈ ગયો હતો. તે સમયે તે રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતો હતો. પરંતુ તે પોતાની ફ્રેન્ચાઇઝીને જાણ કર્યા વિના મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાવા માટે ડીલ કરી રહ્યો હતો.
આ વાતની જાણ રાજસ્થાન ફ્રેન્ચાઇઝી અને IPL ગવર્નિંગ કાઉન્સિલને થઈ ગઈ. ત્યારબાદ જાડેજા દોષિત સાબિત થયો અને તેના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. 2011 સીઝનમાં કોચ્ચિ ટસ્કર્સ કેરળમાં જોડાયા બાદ પછી જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)નો હિસ્સો બની ગયો.
ફિક્સિંગ-સટ્ટાબાજીમાં ત્રણ ખેલાડીઓ દોષી
2013ની IPL સીઝન સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજી કાંડના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી. ત્યારે ફિક્સિંગ કેસમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ એસ શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલાના નામ સામે આવ્યા હતા. તે બધા સામે કેસ ચાલ્યો અને તેઓ દોષી પણ સાબિત થયા.
ત્યારબાદ BCCIએ આ ખેલાડીઓ પર IPLમાંથી આજીવન પ્રતિબંધ મૂકી દીધો. આ ઉપરાંત સટ્ટાબાજીના કેસમાં BCCI એ ચેન્નાઈના માલિક એન શ્રીનિવાસનના જમાઈ ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાનના માલિક રાજ કુન્દ્રાને દોષિત ઠેરવ્યા હતા. જેના કારણે રાજસ્થાન અને ચેન્નાઈની ટીમો પર બે-બે વર્ષ (2016-2017) માટે પ્રતિબંધ મૂકી દીધો હતો.
વિરાટ-ગંભીર વચ્ચે ખટપટ, ખૂબ ચાલ્યો વિવાદ
દિગ્ગજ ક્રિકેટર ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી પણ વિવાદોથી દૂર નથી રહ્યા. એક સીઝન તો એવી રહી જ્યારે એક મેચ દરમિયાન બંને બાખડી પડ્યા હતા. તેમની વચ્ચે ખૂબ દલીલ થઈ હતી. આ વિવાદની પણ ખૂબ ચર્ચા થઈ હતી.
2023 સીઝનમાં રમાયેલી એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ(RCB)એ લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)ને 18 રનથી હરાવ્યું હતું. આ મેચ પછી હાથ મિલાવતી વખતે, વિરાટ કોહલી અને લખનઉ ટીમના બોલર નવીન ઉલ હક ફરી અથડાયા હતા. આ દરમિયાન કોહલીની ગંભીર સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ. ત્યારે ખેલાડીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.