IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રોકાઈ હતી તે હોટલમાં લાગી આગ, કોઈ ઈજાગ્રસ્ત નહીં
Fire Breaks Out at Hotel Where Sunrisers Hyderabad Team Was Staying: IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદનું અત્યાર સુધીનો સૌથી નબળો દેખાવ જોવા મળ્યો છે. ટીમનો આગામી મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે 17 એપ્રિલના રોજ થવાનો છે. જોકે તે પહેલા એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદની ટીમ જે હોટલમાં રોકાઈ હતી, તે હોટલમાં સોમવારે સવારે આગ લાગી હતી. જો કે, મહત્ત્વની વાત એ છે કે, ટીમના દરેક ખેલાડી સુરક્ષિત છે.
ખેલાડીઓ હૈદરાબાદની બંજારા હિલ્સમાં રોકાયા હતા
સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદની બંજારા હિલ્સમાં રોકાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હોટલના એક માળ પર આગ લાગી હતી. જોકે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના કારણે હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
ખેલાડીઓને બીજી હોટલમાં શિફ્ટ કરાયા
આ અંગે મળતી માહિતી પ્રમાણે આગ લાગ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓને બીજી હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ હોટલની અંદર હાજર લોકો બહારની બાજુ દોડી આવ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચતા આગ પર કાબૂ મેળવી લેતા કોઈ ઈજાગ્રસ્ત થયું નથી.