IPLનાં ચાહકો માટે ગુડ ન્યુઝ, આખરે આઈપીએલ 2020 નું નવું શિડ્યૂલ જાહેર કરાયું
IPLની 24 મેચ દુબઇમાં, 20 મેચ અબુધાબીમાં અને 12 મેચ શારજાહમાં રમાશે
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર 2020 રવિવાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં શરૂ થવાની છે. લાંબા સમયથી ફ્રેન્ચાઇઝી ટીમો અને ચાહકો આઈપીએલનાં સમયપત્રકની રાહ જોતા હતા. છેવટે પ્રતીક્ષાની ઘડી પૂરી થઈ છે. આઈપીએલ 2020 નું નવું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ઉપવિજેતા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. આઈપીએલ 2020 ની 24 મેચ દુબઇમાં, 20 મેચ અબુધાબીમાં અને 12 મેચ શારજાહમાં રમાશે.
આ અગાઉ આઈપીએલ 29 માર્ચથી ભારતમાં યોજાવાની હતી. આ માટેનું શિડ્યુલ પણ બહાર પાડવામાં આવ્યું હતું. કોવિડ -19 ને કારણે આઈપીએલ મુલતવી રાખવી પડી. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં આઇસીસી ટી -20 વર્લ્ડ કપ રમાવાનો હતો, પરંતુ કોવિડ -19 ને કારણે તે સ્થગિત રાખવામાં આવ્યો છે. આઇસીસીના આ નિર્ણય બાદ ભારતના ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ નિર્ણય લીધો હતો કે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
આ 53 દિવસીય ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ફ્રેન્ચાઇઝી ટીમો યુએઈ પહોંચી ગઈ છે અને હાલમાં પ્રેક્ટિસમાં છે. આઈપીએલ આ વખતે બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાં રમાવાની છે. બીસીસીઆઈએ યુએઈ જતા પહેલા તમામ ટીમોને એસઓપી પણ સોંપી હતી. તમામ મેચ દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે.