For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પી.વી. સિંધુ અને પ્રણિત ઈન્ડોનેશિયા ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા

- સિંધુએ જર્મનીની વૉન લીને ૨૧-૧૨, ૨૧-૧૮થી હરાવી

- કિદામ્બી શ્રીકાંતનો એક્સલસન સામે પરાજય

Updated: Nov 25th, 2021

Article Content Imageબાલી, તા.૨૫

ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ પી.વી. સિંધુ અને વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઈ પ્રણિતે ઈન્ડોનેશિયા ઓપન સુપર ૧૦૦૦ બેડમિંટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે શ્રીકાંત ડેનમાર્કના ટોચના ખેલાડી વિક્ટર એક્સલસન સામે હારીને બહાર ફેંકાયો હતો.

પી.વી. સિંધુએ બીજા રાઉન્ડના મુકાબલામાં જર્મનીની વોન લી ને ૩૭ મિનિટના મુકાબલામાં સીધી ગેમ્સમાં ૨૧-૧૨, ૨૧-૧૮થી પરાસ્ત કરી હતી. ત્રીજો સીડ ધરાવતી સિંધુએ ૨૬મો ક્રમાંકિત ધરાવતી જર્મન ખેલાડી સામે આસાન જીત મેળવી હતી. હવે ક્વાર્ટર ફાઈનલમાં તેનો મુકાબલો સાઉથ કોરિયાની સિમ યુજીન સામે થશે.

જ્યારે ભારતના વર્લ્ડ નંબર ૧૬ પ્રણિતે ફ્રાન્સના વર્લ્ડ નંબર ૭૦ ક્રિસ્ટો પોપોવ સામે ૨૧-૧૭, ૧૪-૨૧, ૨૧-૧૯થી વિજય મેળવ્યો હતો. આ મુકાબલો એક કલાક અને ૨૩ મિનિટ સુધી ચાલ્યો હતો. હવે તેનો મુકાબલો ઓલિમ્પિક ચેમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ડેનમાર્કના એક્સલસન સામે થશે.

 ટુર્નામેન્ટમાં સેકન્ડ સીડેડ પ્લેયર તરીકે રમી રહેલા એક્સલસને ભારતના કિદામ્બી શ્રીકાંતના પડકારનો અંત આણ્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર કિદામ્બીએ ૩૭ મિનિટ સુધી સંઘર્ષ કર્યો હતો અને તેનો ૨૧-૧૪, ૨૧-૧૮થી પરાજય થયો હતો. છઠ્ઠો સીડ ધરાવતી સાત્વિકસાઈરાજ રાન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સાઉથ કોરિયાના મિન્હયુક અને સેઓ સેઉન્ગજાઈને ૨૧-૧૫, ૧૯-૨૧, ૨૩-૨૧થી હરાવ્યા હતા અને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

Gujarat