ચેસ જગત પર ભારતનો આગવો ચક્રવર્તી પ્રભાવ

આંતરરાષ્ટ્રીય ચેસ જગતમાં ભારતીય ચેસ ખેલાડીઓએ સુપરપાવર તરીકેનો આગવો દબદબો પ્રસ્થાપિત કર્યો હતો. ભારતનો ડી. ગુકેશ ૨૦૨૪માં માત્ર ૧૮ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો હતો. જે પછી ૨૦૨૫માં ભારતની ૧૯ વર્ષની મહિલા ખેલાડી દિવ્યા દેશમુખે ચેેસનો મહિલા વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દિધો હતો. આ સાથે તે મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનારી સૌપ્રથમ ભારતીય બની હતી. તેણે ઓલ ઈન્ડિયન ફાઈનલમાં ભારતની જ કોનેરુ હમ્પીને હરાવી હતી. ભારતના પુરુષ ખેલાડી અને વર્લ્ડ ચેમ્પિયન ડી. ગુકેશની સાથે આર. પ્રજ્ઞાાનંધા તેમજ અર્જુન એરિગૈસીએ પણ ચેસ જગતમાં ટાઈટલ જીતવાનો સિલસિલો જારી રાખ્યો હતો. પ્રજ્ઞાાનંધાએ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં પણ ક્વોલિફાય કર્યું હતુ.
વૈભવનો વિસ્ફોટ
માત્ર ૧૪ વર્ષની વયે તેના કરતાં મોટી ઉંમરના બોલરો સામે વિસ્ફોટક બેટિંગ કરનારા વૈભવ સૂર્યવંશીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતુ. વૈભવે એક જ વર્ષમાં છ સદી સાથે વૈભવે તેની કારકિર્દીનો ધમાકેદાર પ્રારંભ કર્યો હતો.
અમદાવાદ સ્પોર્ટ્સ હબ : 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે
વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકના આયોજનનું સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધતાં અમદાવાદે ૨૦૩૦માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ રમતોત્સવની યજમાની મેળવી હતી. યોગાનુંયોગ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી પણ પૂર્ણ થવાની છે. આંતરરાષ્ટ્રીય કેલેન્ડરમાં મહત્વની ગણાતી કોમનવેલ્થ ગેમ્સમાં ૭૨ દેશોના લગભગ પાંચ હજાર જેટલા એથ્લીટ્સ વિવિધ રમતોમાં ભાગ લેતા હોય છે. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની મેળવવા માટે એકમાત્ર ભારતે જ દાવેદારી નોંધાવી હતી અને આખરે તેના પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી. ગેમ્સની યજમાની મળી ત્યારે ભારતીય ઓલિમ્પિક સંઘના વડા અને એથ્લેટિક્સ લેજન્ડ પી.ટી. ઉષાની સાથે ગુજરાત સરકારના ઓફિશિલ્સ પણ હાજર રહ્યા હતા. વર્ષ દરમિયાન અમદાવાદમાં એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયન અને એએફસી અંડર-૧૭ એશિયન કપ ક્વોલિફાયર્સનું આયોજન થયું હતુ.
વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ લાજવાબ
ભારતને ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અપાવનારી મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ વર્ષના મેડલ દુષ્કાળનો અંત ૨૦૨૫માં આણ્યો હતો. મીરાબાઈએ નોર્વેના ફોરડેમાં ઓક્ટોબરમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૪૮ કિગ્રા વજન વર્ગમાં કુલ ૧૯૯ કિગ્રા વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે છેલ્લે ૨૦૨૨માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો હતો. મીરાબાઈએ અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગમાં પણ ૪૮ કિગ્રામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરા: 90 મીટરને પાર કરવાની સિદ્ધિ
ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ ભાલા ફેંકના એથ્લીટ નીરજ ચોપરાએ ૨૦૨૫માં જ કારકિર્દીમા પહેલીવાર ૯૦ મીટરના માઈલસ્ટોનને હાંસલ કરવાની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે ભાલા ફેંકમાં ૯૦ કે વધુ મીટર દૂર ભાલો ફેંકનારો સૌપ્રથમ ભારતીય બન્યો હતો. તેણે આ સિદ્ધિ ૧૬મી મે, ૨૦૨૫ના રોજ દોહા ડાયમંડ લીગ ખાતે મેળવતા ૯૦.૨૩ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તેના નામ સાથે બેંગાલુરુમાં યોજાયેલી નીરજ ચોપરા ક્લાસિક ઈવેન્ટ પણ તેણે જીતી હતી. જોકે ડાયમંડ લીગની ફાઈનલમાં તેને બીજો ક્રમ મળ્યો હતો. અલબત્ત, તે વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જાળવી શક્યો નહતો અને વર્લ્ડ ચેમ્પિયનશિપની ભાલા ફેંકની સ્પર્ધામાં ૮૪.૦૩ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે આઠમા ક્રમે રહ્યો હતો.
ફૂટબોલ :મહિલાઓની સિદ્ધિ, પુરુષ ટીમનો સંઘર્ષ
ભારતીય ફૂટબોલ માટે ૨૦૨૫નું વર્ષ મિશ્ર સફળતાનું રહ્યું હતુ. ભારતની પુરુષ ટીમનો દેખાવ કથળેલો રહ્યો હતો અને ફિફાના વર્લ્ડ રેન્કિંગમાં ભારત ૧૪૨માં ક્રમે ફેંકાયું હતુ. વળી, ટીમ એશિયન કપમાં ક્વોલિફાય થઈ શકી નહતી. સુનિલ છેત્રીએ ભારતને એશિયન કપમાં ક્વોલિફાય કરાવવા માટે નિવૃત્તિ પાછી ખેંચીને પુનરાગમન કર્યું હતુ, પણ તેમ છતાં ભારતને નિષ્ફળતા સાંપડી હતી. આ સાથે છેત્રીએ પણ ફરી નિવૃત્તિ લઈ લીધી હતી. જ્યારે ભારતની મહિલા ફૂટબોલ ટીમ ઈતિહાસમાં પહેલીવાર ક્વોલિફિકેશન મુકાબલા જીતીને એશિયન કપમાં પ્રવેશી હતી.
ખો-ખોના સૌપ્રથમ વર્લ્ડકપમાં ભારતને બેવડાં ટાઈટલ
નવી દિલ્હીમાં યોજાયેલા સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતની પુરુષ અને મહિલા ટીમે તમામ મુકાબલા જીતવાની સાથે વર્લ્ડ ચેમ્પિયન બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. પુરુષોની સ્પર્ધામાં ૨૦ અને મહિલાઓની સ્પર્ધામાં ૧૯ ટીમોએ ભાગ લીધો હતો. ભારતે પુરુષોની ફાઈનલમાં નેપાળને ૫૪-૩૬થી અને મહિલાઓની ફાઈનલમાં ૭૮-૪૦થી નેપાળને જ મહાત આપી હતી. હવે પછીનો ખો-ખો વર્લ્ડ કપ ૨૦૨૭માં ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાશે.
સાત્વિક-ચિરાગનો વર્લ્ડ બેેડમિંટનમાં બ્રોન્ઝ
એક સમયે બેડમિંટન જગતમાં આગવું પ્રભુત્વ ધરાવતા ભારત માટે ૨૦૨૫નું વર્ષ સાધારણ રહ્યું હતુ. ભારતના સાત્વિક સાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતી હતી. જ્યારે સિંગલ્સમાં ભારતને મળેલા બે મેજર ટાઈટલમાંથી એક આયુષ શેટ્ટી (યુએસ ઓપન) અને લક્ષ્ય સેન (ઓસ્ટ્રેલિયન ઓપન) જીત્યો હતો. સિંધુ માટે ચાલુ વર્ષ એક પણ ટાઈટલ જીતી શકી નહતી અને ઈજાના કારણે તેને સિઝનની ઉત્તરાર્ધની ટુર્નામેન્ટ્સ ગુમાવવી પડી હતી.
એશિયન હોકીમાં ફરી સરતાજ
ભારતીય હોકીએ એશિયામાં તો આગવુ પ્રભુત્વ દેખાડયું હતુ. ઘરઆંગણે યોજાયેલી મેન્સ એશિયા કપમાં તો ભારત ચેમ્પિયન બન્યું હતુ અને ચોથી વખત આ ટાઈટલ જીત્યું હતુ. સુલતાન અઝલાન શાહ કપ હોકીમાં પણ ભારતે ૨૦૧૯ પછી પહેલીવાર ભાગ લીધો હતો અને ફાઈનલ સુધીની સફર ખેડતા રનરઅપ ટાઈટલ મેળવ્યું હતુ. જોકે પ્રો હોકી લીગમાં ભારતની પુરુષ ટીમ છેક છેલ્લેથી બીજા એટલે આઠમા ક્રમે રહી હતી. મહિલા ટીમ એશિયા કપમાં રનરઅપ રહી હતી, પણ પ્રો હોકી લીગમાં છેક છેલ્લા ક્રમે રહેતા રેલિગેટ થઈ હતી.
અનિમેષની એથ્લેટિક્સમાં કમાલ
ભારતીય એથ્લીટ અનિમેષ કુજુરે રાષ્ટ્રીય એથ્લેટિક્સમાં ખળભળાટ મચાવતા ૧૦૦ અને ૨૦૦ મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાંખ્યા હતા. તેણે ગ્રીસમાં યોજાયેલી ઈવેન્ટમાં ૧૦૦ મીટરમાં ૧૦.૧૮ સેકન્ડનો સમય આપીને પોતાનો જ ૧૦.૨૦ સેકન્ડનો રેકોર્ડ તોડયો હતો. આ ઉપરાંત તેણે ૨૦૦ મીટરમાં પણ ૨૦.૩૨ સેકન્ડના સમય સાથે પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડયો હતો અને એશિયન ચેમ્પિયનશિપમાં આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. છેલ્લી અડધી સદીમાં આ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનારો માત્ર બીજો ભારતીય બન્યો હતો. તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય થનારો સૌપ્રથમ ભારતીય સ્પ્રીન્ટર બન્યો હતો.
તીરંદાજીમાં ભારત માટે વિજયંત વર્ષ
બંને હાથ ન હોવાના કારણે પગથી ધનુષ પકડીને તીરંદાજી કરતી પેરાલિમ્પિક મેડાલીસ્ટ શીતલદેવીએ વર્લ્ડ પેરા તીરંદાજીમાં વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તીરંદાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની કમ્પાઉન્ડ તીરંદાજીની પુરુષ ટીમે ઈતિહાસનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
સ્ક્વોશમાં ભારતની ટીમ ઐતિહાસિક વર્લ્ડકપ વિજેતા
સ્ક્વોશની રમતમાં ભારતની મિક્સ ટીમે વર્લ્ડ કપ જીતવાની સાથે ઈતિહાસ રચી દીધો હતો. ચેન્નાઈમાં યોજાયેલા સ્ક્વોશ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે ટોપ સીડ ધરાવતા હોંગકોંગને ૩-૦થી મહાત આપી હતી. ભારતની જીતમાં જોશના ચિનપ્પા, અભય સિંઘ અને અનાહતા સિંઘે વિજયી દેખાવ કર્યો હતો. જ્યારે વેલાવન સેન્થિલકુમારને ઔપચારિક બની રહેલી આખરી મેચ રમવા ઉતરવું પડયું નહતુ. ભારત સ્ક્વોશ વર્લ્ડ કપ જીતનારો સૌપ્રથમ એશિયન દેશ બન્યો છે.








