Get The App

ભારતનો ઇંગ્લેન્ડ સામે રોમાંચક વિજય: અંતે શ્રેણી ડ્રો

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
ભારતનો ઇંગ્લેન્ડ સામે રોમાંચક વિજય: અંતે શ્રેણી ડ્રો 1 - image


- પાંચમી ટેસ્ટમાં ભારતનો છ રનથી વિજય:  પ્લેયર ઓફ ધ મેચ સિરાજની 104 રનમાં પાંચ અને મેચમાં કુલ 9 વિકેટ

- ભારતના ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછા અંતરનો વિજય: 374ના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડ 367 રનમાં ઓલઆઉટ: પ્રસિધ ક્રિશ્નાની ચાર વિકેટ 

- પાંચ ટેસ્ટની શ્રેણીમાં બંને ટીમ 

- 2-2થી બરોબરી પર રહી

ભારતનો ઇંગ્લેન્ડ સામે રોમાંચક વિજય: અંતે શ્રેણી ડ્રો 2 - image

લંડન : પ્લેયર ઓફ ધ મેચ સિરાજે પાંચ અને પ્રસિધ ક્રિશ્નાએ ચાર વિકેટ ઝડપતાં ભારતે ઈંગ્લેન્ડના હાથમાંથી જીતને આંચકી લેતાં પાંચમી અને આખરી ટેસ્ટમાં છ રનથી ભારે રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતના ટેસ્ટ ઈતિહાસનો આ સૌથી ટૂંકા અંતરનો વિજય હતો અને આ સાથે યુવા કેપ્ટન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટ શ્રેણી ૨-૨થી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. ઓવલમાં રમાયેલી ટેસ્ટમાં ૩૭૪ના ટાર્ગેટ સામે એક તબક્કે ૩૩૨/૪નો સ્કોર ધરાવતા ઈંગ્લેન્ડને જીત હાથ વેંતમાં લાગતી હતી, ત્યારે પ્રસિધ ક્રિશ્ના અને સિરાજની જોડીની ઘાતક બોલિંગને સહારે યજમાનોને ૩૬૭માં જ ઓલઆઉટ કરતાં ભારતીય ચાહકો ચિરકાલીન યાદગીરી સમાન જીતની મહામૂલી ભેટ આપી હતી. 

યુવા કેપ્ટન ગિલના નેતૃત્વ હેઠળની સુપરસ્ટાર્સ વિનાની ટીમની સફળતા સીમાચિહ્નરૂપ રહી હતી.

ઓવલમાં રમાયેલી ટેસ્ટમાં અગાઉ ભારતના ૨૨૪ના સ્કોર સામે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૨૪૭ રન નોંધાવ્યા હતા.ભારતે બીજી ઈનિંગમાં જયસ્વાલના ૧૧૮ તેમજ આકાશ દીપ (૬૬), જાડેજા (૫૩) અને સુંદર (૫૩)ની અડધી સદીઓની મદદથી ૩૯૬ રનનો સ્કોર ખડક્યો હતો. ઈંગ્લેન્ડે જીતવા માટેના ૩૭૪ના ટાર્ગેટ સામે બૂ્રક (૧૧૧) અને રૂટ (૧૦૫)ની સદીની મદદથી એક તબક્કે ૩૦૧/૪નો સ્કોર કરતાં તેમની જીત આસાન લાગતી હતી. જોકે ચોથા દિવસે આકાશ દીપે બૂ્રકને અને ત્યાર બાદ પ્રસિધ ક્રિશ્નાએ બેથેલ (૫) બાદ રૂટ (૧૦૫)ની વિકેટ ઝડપતાં ભારતની જીતની આશા જીવંત બનાવી હતી.

આજે આખરી દિવસે ઈંગ્લેન્ડને વધુ ૩૫ રનની અને ભારતને ચાર વિકેટની તલાશ હતી, ત્યારે સિરાજે સ્મિથ(૨) અને ઓવર્ટનને (૯) આઉટ કર્યા હતા અને ત્યાર બાદ પ્રસિધે ટંગ (૦)ના સંઘર્ષનો અંત આણ્યો હતો. આખરે એટ્કિન્સને છગ્ગો ફટકારતાં જીતની આશા જીવંત રાખતાં ઈજાગ્રસ્ત વોક્સ (૦) જોડે છેલ્લી વિકેટમાં ૧૦ રનની ભાગીદારી કરી હતી. જોકે સિરાજે તેને ક્લિન બોલ્ડ કરતાં ભારતને છ રનથી વિજય અપાવ્યો હતો.

પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડે પ્રથમ લીડ્સ ટેસ્ટ પાંચ વિકેટથી અને ભારતે બીજી બર્મિંગહામ ટેસ્ટ ૩૩૬ રનથી જીત લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડ ત્રીજી લોર્ડ્સ ટેસ્ટ ૨૨ રનથી જીત્યું હતુ અને ચોથી માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો થતાં ભારત શ્રેણીમાં ૧-૨થી પાછળ પડી ગયું હતુ. ભારતે આ યાદગાર જીત સાથે શ્રેણીની હારને આખરે ૨-૨થીમાં ગૌરવભેર ડ્રોમાં ફેરવી હતી.

Tags :