Get The App

ઓસ્ટ્રેલિયામાં ભારત ૭૧ વર્ષમાં માત્ર ૫ ટેસ્ટ જીતી શક્યું છે

ઈતિહાસ ઓસ્ટ્રેલિયાના, ફોર્મ ભારતના પક્ષમાં

ભારતે ઓસ્ટ્રેલિયામાં છેલ્લે ૨૦૦૮માં વિજય મેળવ્યો હતો

Updated: Dec 3rd, 2018

GS TEAM


Google News
Google News

અમદાવાદ :  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૬ ડિસેમ્બર-ગુરુવારથી ટેસ્ટશ્રેણીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ટેસ્ટશ્રેણીના પ્રારંભ અગાઉ ફોર્મ ભલે ભારતના પક્ષમાં હોય પણ ઈતિહાસ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં છે. ૨૮ નવેમ્બર ૧૯૪૭ના ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત સૌપ્રથમ ટેસ્ટ મેચ રમ્યું હતું. આ પછી અત્યારસુધી ઓસ્ટ્રેલિયામાં ભારત ૪૪માંથી માત્ર પાંચ ટેસ્ટ જીતી શક્યું છે અને ૨૮માં તેનો પરાજય થયો છે.૭૧ વર્ષમાં ભારત ક્યારેય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટશ્રેણી જીતી શક્યું નથી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં ભારતે છેલ્લે ૧૬ જાન્યુઆરી ૨૦૦૮ના ટેસ્ટ વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતના વિજયનો ફ્લેશબેક આ મુજબ છે.
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતના ટેસ્ટ વિજય



૧. ઓસ્ટ્રેલિયા 'ભાગવત'ને શરણે
વર્ષ : ૩૦ ડિસેમ્બર ૧૯૭૭થી ૪ જાન્યુઆરી ૧૯૭૮
સ્થળ : મેલબોર્ન, પરિણામ : ભારતનો ૨૨૨ રને વિજય
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૧૧માંથી ૧૦ ટેસ્ટ મેચમાં પરાજય બાદ ભારતનો આ સૌપ્રથમ વિજય હતો. બિશનસિંહ બેદીની આગેવાની હેઠળ રમેલી ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટમાં એકમાત્ર મિડિયમ પેસર તરીકે કરસન ઘાવરીનો સમાવેશ કર્યો હતો અને તેમાં સુનીલ ગાવસ્કરે ઓપનિંગ બોલિંગ કરી હતી. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ૨૦માંથી ૧૮ વિકેટ ભારતીય સ્પિનર્સે ખેરવી હતી. ભાગવત ચંદ્રશેખરે બંને ઇનિંગ્સમાં કુલ ૧૨ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો.
સંક્ષિપ્ત સ્કોર : ભારત (પ્રથમ દાવ) ૨૫૬ (મોહિન્દર અમરનાથ ૭૨, વેઇન ક્લાર્કની ૪ વિકેટ), ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૨૧૩ (ક્રેગ સેર્જન્ટ ૮૫, ભાગવત ચંદ્રશેખર ૧૪.૧-૨-૫૨-૬), ભારત (બીજો દાવ) (સુનીલ ગાવસ્કર ૧૧૮, વેઇન ક્લાર્કની ૪ વિકેટ), ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) ૧૬૪ (ભાગવત ચંદ્રશેખર ૨૦-૩-૫૨-૬).

૨. ભારતીય સ્પિનરોનો સપાટો
વર્ષ : ૭ થી ૧૨ જાન્યુઆરી ૧૯૭૮
સ્થળ : સિડની, પરિણામ : ભારતનો ઇનિંગ્સ-૨ રને વિજય
મેલબોર્ન ટેસ્ટના બે દિવસ બાદ જ રમાયેલી આ ટેસ્ટ મેચમાં પણ ભારતીય સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. બિશનસિંહ બેદી-એરાપલ્લી પ્રસન્ના-ભાગવત ચંદ્રશેખરની સ્પિન ત્રિપુટીએ કુલ ૧૬ વિકેટ ખેરવી હતી. બેટિંગમાં પ્રથમ ઇનિંગ્સમાં ગુંડપ્પા વિશ્વનાથથે ૭૯, નવમા ક્રમે આવેલા કરસન ઘાવરીએ ૬૪ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતનો આ એકમાત્ર એક ઇનિંગ્સથી વિજય છે. સંક્ષિપ્ત સ્કોર : ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૧૩૧ (ભાગવત ચંદ્રશેખર ૧૫-૩-૩૦-૪), ભારત (પ્રથમ ઇનિંગ્સ) : ૩૯૬/૮ ડિક્લેર (ગુંડપ્પા વિશ્વનાથ ૭૯, જેફ થોમસનની ૪ વિકેટ), ઓસ્ટ્રેલિયા (બીજો દાવ)  : ૨૬૩ (પીટર ટૂહી ૮૫, એરાપલ્લી પ્રસન્ના ૨૯-૧૧-૫૧-૪).

૩. કપિલ દા જવાબ નહીં...
વર્ષ : ૭ થી ૧૧ ફેબુ્રઆરી ૧૯૮૧.
સ્થળ : મેલબોર્ન, પરિણામ : ભારતનો ૫૯ રને વિજય
અત્યંત ચઢાવઉતારભરી આ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સમાં ભારતના ૨૩૭ સામે ઓસ્ટ્રેલિયાએ ૪૧૯ રન નોંધાવ્યા હતા. જવાબમાં ભારતે બીજી ઇનિંગ્સમાં ૩૨૪ કરતા ઓસ્ટ્રેલિયાને ૧૪૩નો સાધારણ પડકાર મળ્યો હતો. જેની સામે કપિલદેવ ત્રાટક્યો હતો અને તેણે ૨૮ રનમાં ૫ વિકેટ ખેરવતા ઓસ્ટ્રેલિયા માત્ર ૮૩માં ખખડી ગયું હતું. વિદેશી ધરતી પર ભારતનો યાદગાર વિજય પૈકીનો એક આ વિજય છે. સુનીલ ગાવસ્કર ભારતના કેપ્ટન હતા. સંક્ષિપ્ત સ્કોર ઃ ભારત (પ્રથમ દાવ) ૨૩૭ (ગુંડપ્પા વિશ્વનાથ  ૧૧૪, ડેનિસ લિલીને ૪ વિકેટ), ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૪૧૯ ( એલન બોર્ડર ૧૨૪, દિલીપ દોશીને ૩ વિકેટ), ભારત (બીજો દાવ) ૩૨૪ (ચેતન ચૈૌહાણ ૮૫, ડેનિસ લિલીને ૪ વિકેટ), ઓસ્ટ્રેલિયા (બીજો દાવ ) ૧૪૩ (કપિલ દેવ ૧૬.૪-૪-૨૮-૫).

૪. દ્રવિડ : ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયન ક્રિકેટ
વર્ષ : ૧૨-૧૬ ડિસેમ્બર ૨૦૦૩
સ્થળ : એડિલેડ, પરિણામ : ભારતનો ૪ વિકેેટે વિજય
રિકી પોન્ટિંગના ૨૪૨ રનની સહાયથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૫૫૬ રન ખડક્યા હતા. સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમનો સ્કોર એક તબક્કે ૪ વિકેટે ૮૫ હતો. અહીંથી દ્રવિડ-લક્ષ્મણે ૩૦૩ રનની ભાગીદારી નોંધાવતા ભારતનો સ્કોર ૫૨૩ થયો હતો. બીજી ઇનિંગ્સમાં અજીત અગરકરે ૬ વિકેટ સાથે તરખાટ મચાવતા ઓસ્ટ્રેલિયા ૧૯૬માં આઉટ થયું હતું. દ્રવિડે અણનમ ૭૨ રન નોંધાવી ભારતને ૪ વિકેટે વિજય અપાવ્યો હતો. સંક્ષિપ્ત સ્કોર ઃ ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૫૫૬ (પોન્ટિંગ ૨૪૨, કુંબલેને ૫ વિકેટ), ભારત (પ્રથમ દાવ) ૫૨૨ (દ્રવિડ ૨૩૩, લક્ષ્મણ ૧૪૮, બિકેલને ૪ વિકેટ), ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) ૧૯૬ (ગિલક્રિસ્ટ ૪૩, અજીત અગરકર ૧૬.૨-૨-૪૧-૬), ભારત (બીજો દાવ) ૨૩૩/૬(દ્રવિડ ૭૨*, સેહવાગ ૪૭).


૫. ભારત માટે હેપ્પી 'પર્થ' ડે
વર્ષ : ૧૬-૧૯ જાન્યુઆરી ૨૦૦૮
સ્થળ : પર્થ, પરિણામ : ભારતનો ૭૨ રને વિજય
કોઇ એકાદ-બે ખેલાડી નહીં પણ ટીમ વર્કથી ટેસ્ટ મેચ કેવી રીતે વિજય મેળવી શકાય તેનું ઉદાહરણ એટલે પર્થ ટેસ્ટ. ભારતીય ટીમમાંથી કોઇ બેટ્સમેને સદી ફટકારી નહોતી અને કોઇ બોલર ઇનિંગ્સમાં પાંચ વિકેટ ખેરવી શક્યો નહોતો. આમ છતાં પર્થમાં ટેસ્ટ વિજય મેળવનારી ભારત એશિયાની સૌપ્રથમ ટીમ બની હતી. અનિલ કુંબલે ભારતીય ટીમનો કેપ્ટન હતો. સંક્ષિપ્ત સ્કોર ઃ ભારત (પ્રથમ દાવ) ૩૩૦ ( દ્રવિડ ૯૩, તેંડુલકર ૭૧, જ્હોન્સનને ૪ વિકેટ), ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૨૧૨ (સાયમન્ડ્સ ૬૬,આરપી સિંહને ૪ વિકેટ), ભારત (બીજો દાવ) ૨૯૪ (લક્ષ્મણ ૭૯, ઇરફાન ૪૬),  ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) ૩૪૦ ( માઇકલ ક્લાર્ક ૮૧, ઇરફાનને ૩ વિકેટ).

 
ઓસ્ટ્રેલિયામાં ભારત વિ. ઓસ્ટ્રેલિયા ટેસ્ટશ્રેણી
વર્ષ    ટેસ્ટ    પરિણામ
૧૯૪૭-૪૮    ૦૫    ઓસ્ટ્રેલિયાનો ૪-૦થી વિજય
૧૯૬૭-૬૮    ૦૪    ઓસ્ટ્રેલિયાનો ૪-૦થી વિજય
૧૯૭૭-૭૮    ૦૫    ઓસ્ટ્રેલિયાનો ૩-૨થી વિજય
૧૯૮૦-૮૧    ૦૩    ૧-૧થી શ્રેણી ડ્રો
૧૯૮૫-૮૬    ૦૩    ૦-૦થી શ્રેણી ડ્રો
૧૯૯૧-૯૨    ૦૫    ઓસ્ટ્રેલિયાનો ૪-૦થી વિજય
૧૯૯૯-૦૦    ૦૩    ઓસ્ટ્રેલિયાનો ૩-૦થી વિજય
૨૦૦૩-૦૪    ૦૪    ૧-૧થી શ્રેણી ડ્રો
૨૦૦૭-૦૮    ૦૪    ઓસ્ટ્રેલિયાનો ૨-૧થી વિજય
૨૦૧૧-૧૨    ૦૪    ઓસ્ટ્રેલિયાનો ૪-૦થી વિજય
૨૦૧૪-૧૫    ૦૪    ઓસ્ટ્રેલિયાનો ૨-૦થી વિજય

Tags :