Get The App

એજબેસ્ટનમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજય

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
એજબેસ્ટનમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજય 1 - image


- બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ભારતની 58 વર્ષના ટેસ્ટ વિજયની આતુરતાનો અંત

- બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 608ના ટાર્ગેટ સામે ૨૭૧માં સમેટાતા ૩૩૬ રનથી હાર્યું  ભારતે જીત સાથે શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી : પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન ગીલ 

- બીજી ઈનિંગમાં આકાશ દીપની છ સાથે ટેસ્ટમાં કુલ 10 વિકેટ

બર્મિંગહામ: રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના ૨૬૯ અને ૧૬૧ રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૩૩૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે  બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના ૫૮ વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ. 

ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા ૬૦૮ રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રન સમેટાઈ ગઈ હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી. 

કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે સ્ટોક્સની 'બાઝબોલ'ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ ૧૦મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહનું પુનરાગમન થવાનું છે. 

એજબેસ્ટન ટેસ્ટમાં ભારતના ૫૮૭ના પ્રથમ ઈનિંગના સ્કોર સામે ઈંગ્લેન્ડે ૪૦૭ રન કર્યા હતા. 

પ્રથમ ઈનિંગમાં ૧૮૦ રનની લીડ બાદ ભારતે બીજી ઈનિંગ છ વિકેટે ૪૨૭ રને ડિકલેર કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૮ રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા. આજે પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિકેટકિપર બેટસમેન જેમી સ્મિથે ૮૮ રન સાથે લડત આપી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા આકાશ દીપે શાનદાર દેખાવ કરતાં છ વિકેટ ઝડપી હતી. સુંદરે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની નિર્ણાયક વિકેટ મેળવી હતી. સીરાજની સાથે જાડેજા-પ્રસિધ ક્રિશ્નાએ પણ એક-એક વિકેટ મેળવી હતી.


Tags :