તીરંદાજીના એશિયા કપમાં પાંચ ગોલ્ડ સાથે 10 મેડલ જીતીને ભારત ટોચ પર
- કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતે સાત મેડલ્સ જીતી લીધા
- ભારતીય તીરદાંજોએ ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ પણ મેળવ્યો
શારજાહ, તા.25
યુએઈમાં આવેલા શારજાહમાં ચાલી રહેલા તીરંદાજીના એશિયા કપ સ્ટેજ થ્રીમાં ભારતે શાનદાર દેખાવ કરતાં પાંચ ગોલ્ડ મેડલની સાથે કુલ મળીને 10 મેડલ જીતી લીધા હતા. આ સાથે મેડલ ટેબલમાં ભારતને ટોચનું સ્થાન આપવામાં આવ્યું હતુ. કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતના કુલ સાત મેડલ હતા. જ્યારે ટીમને ઓવરઓલલ ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ મળ્યા હતા.
કમ્પાઉન્ડ તીરંદાજીમા મહિલાઓની વ્યક્તિગત ઈવેન્ટમાં ભારતે ત્રણેય મેડલ જીતી લઈને ક્લિન સ્વીપ કરી હતી. પ્રગતી, અદિતી સ્વામી અને પરનીત કૌરની ત્રીપુટીએ અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. જ્યારે ભારતીય મેન્સ ટીમે પણ ફાઈનલમાં સાઉથ કોરિયાને 6-4થી હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કમ્પાઉન્ડ તીરંદાજીની મેન્સ વ્યક્તિગત ઈવેન્ટમાં પ્રિયાંશ અને ઓજસે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા હતા.
રેક્યુર્વે વિભાગમાં ભારતના આકાશ, મૃણાલ ચૌહાણ અને પાર્થ સાળુંકેની ત્રિપુટીએ શાનદાર દેખાવ સાથે ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. જ્યારે ત્રીષા પુનિયા અને પાર્થ સાળુંકેની જોડીએ મિક્સ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.