India vs West Indies: T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડની આજે(1 માર્ચ, 2026) સૌથી મોટી અને છેલ્લી મેચ છે. આ મેચ બાદ ખ્યાલ આવશે કે, સેમિફાઈનલમાં પ્રવેશ કરનારી ચોથી ટીમ કઈ હશે. ભારતીય ટીમ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચેની મેચમાં જે પણ ટીમ બાજી મારશે તે અંતિમ ચારમાં પોતાની જગ્યા બનાવશે.
સૂર્યકુમાર યાદવ પાસે ઇતિહાસ રચવાની તક
વર્ષ 2024માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન સાથે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ઐતિહાસિક જીતની ખુમારી ક્રિકેટ ચાહકોના હૃદયમાં હજુ પણ તાજી છે. હવે ટીમ ઈન્ડિયા ફરી એકવાર એ જ ચમકતી ટ્રોફી પર નજર રાખી રહી છે. ટુર્નામેન્ટનો ઈતિહાસ મુજબ, કોઈ પણ ટીમે સતત બે વાર T20 વર્લ્ડ કપ જીત્યો નથી. તેવામાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે સુવર્ણ તક છે. જો ટીમ ઈન્ડિયા આજે વેસ્ટ ઈન્ડિઝના ભયંકર પડકારને પાર કરીને સેમિફાઈનલમાં પહોંચે છે અને અંતે ટાઈટલ જીતી લે છે, તો ટીમ ઈન્ડિયા ક્રિકેટ ઈતિહાસમાં એક નવો અધ્યાય લખશે.
સુપર-8 રાઉન્ડ હવે તેના અંતિમ તબક્કામાં છે. ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી લીધું છે. હવે ફક્ત એક છેલ્લી જગ્યા બાકી છે, જેના માટે ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે આજે મેચ છે. આજની મેચના પરિણામો બાદ ટુર્નામેન્ટમાં અંતિમ ચાર ટીમોને લઈને સ્પષ્ટતા થશે.
કુલ પ્રાઈઝ મની આશરે ₹120 કરોડ
મેદાન પર ટ્રોફી માટેની લડાઈની સાથે આ વખતે પ્રાઈઝ મનીને લઈને ચર્ચા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, T20 વર્લ્ડ કપ 2026 માટે કુલ પ્રાઈઝ મની આશરે ₹120.37 કરોડ નક્કી કરવામાં આવી છે. આ વખતે વિજેતા ટીમને મોટી રકમ મળશે, પરંતુ હારનારી ટીમો પણ નિરાશ નહીં થાય.
આ વર્ષે ટુર્નામેન્ટ વિજેતા ટીમને આશરે ₹27.48 કરોડ મળવાની શક્યતા છે. ભારતે 2024માં ટાઈટલ જીત્યું ત્યારે તેમને ₹20 કરોડ મળ્યા હતા. આનો અર્થ એ થાય કે, આ વર્ષે ઇનામની રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. રનર-અપ ટીમને આશરે ₹14.65 કરોડ મળશે.
હારનારી ટીમને જાણો કેટલા રૂપિયા મળશે
બાકીની ટીમો માટે પણ ઈનામો નક્કી કરવામાં આવ્યા છે. સેમિફાઈનલમાં હારનાર ટીમોને ₹7.24 કરોડ, 5થી 12માં ક્રમે રહેનારી ટીમોને ₹3.48 કરોડ અને 13થી 20માં સ્થાને રહેનારી ટીમોને ₹2.29 કરોડ મળશે.


