IND vs PAK: એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની શક્યતા! જાણો ક્યારે અને ક્યાં રમાઈ શકે છે મેચ?
Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો વચ્ચે ક્રિકેટ મેચ રમાય તેવી શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં યુએઇમાં (ASIA CUP 2025 UAE) એશિયા કપનું આયોજન થશે. જેમાં બંને દેશો વચ્ચે ટક્કર થાય તેવી શક્યતા એશિયન ક્રિકેટ કાઉન્સિલના સૂત્રો દ્વારા દર્શાવવામાં આવી છે. તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયન ઓફ લિજેન્ડસ નામની નિવૃત્ત ક્રિકેટર્સની ટુર્નામેન્ટમાં ભારત પાકિસ્તાનની મેચ રદ થઈ હતી. પહલગામ હુમલા પછી ભારતે વળતાં પ્રહાર સ્વરૂપે કરેલા ઓપરેશન સિંદુર બાદ બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો છે. એવામાં બંને દેશો આપસમાં ક્રિકેટ મેચ રમશે કે કેમ તે અંગે રહસ્ય યથાવત છે.
બંને દેશોએ આપસમાં દ્વિપક્ષીય ક્રિકેટ ટુર્નામેન્ટ્સ રમવાનું ઘણા લાંબા સમયથી બંધ કર્યું છે. માત્ર ICC ટુર્નામેન્ટ્સમાં જ બંને દેશો આમને સામને ટકરાય છે. સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપનું આયોજન BCCI દ્વારા થશે. BCCI ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ મામલે જણાવ્યું હતું કે, 'ટુર્નામેન્ટ અને મેચોની લગતી અધિકૃત માહિતી થોડા દિવસોમાં જાહેર કરાશે.'
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના 25 સભ્ય દેશોએ એશિયા કપના આયોજન માટેનું સ્થળ નિશ્ચિત કરવા માટે યોજાયેલી એક મિટિંગમાં ભાગ લીધો હતો. જેમાં BCCI તરફથી વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી.
ક્યારે અને ક્યાં રમાશે મેચ?
સપ્ટેમ્બર મહિનામાં 15 દિવસ સુધી એશિયા કપ રમાશે. સૂત્રોએ માહિતી આપી હતી કે, 'ભારત પોતાની તમામ મેચો દુબઈમાં રમે તેવી શક્યતા છે. BCCI દ્વારા ટુર્નામેન્ટનું આયોજન થશે. સમયપત્રકને લઈને હજુ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.'
આ મામલે ACCના ચેરમેન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ કહ્યું કે, 'અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું. અમે BCCI સાથે ચર્ચા કરી હતી અને ટૂંક સમયમાં થોડા પ્રશ્નોનું નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું. મિટિંગમાં તમામ 25 દેશોએ ભાગ લીધો હતો અને સહમતી પણ દર્શાવી હતી.'