એશિયા કપની ટોપ 5 કોન્ટ્રોવર્સી, કામરાન-ગંભીર તો ભજ્જી-શોએબ વચ્ચે થઈ હતી બબાલ
Asia Cup Controversies: એશિયા કપ 2025 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવ વચ્ચે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર સંકટના વાદળો છવાયેલા છે. તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં પણ ભારતીય ચેમ્પિયન ટીમે પાકિસ્તાની ટીમ સાથે રમવાનો ઈનકાર કર્યો હતો.
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નવમીથી 28મી સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે શહેરો અબુધાબી અને દુબઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14મી સપ્ટેમ્બરે દુબઈમાં યોજાવાની છે, જોકે આ મેચ પર સસ્પેન્સ હજુ પણ છે. ટુર્નામેન્ટના ઈતિહાસમાં ઘણા મોટા વિવાદો જોવા મળ્યા છે, જેમાં ક્યારેક ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો, તો ક્યારેક ખેલાડીઓ વચ્ચે ઝઘડા ચર્ચાનો વિષય બની હતી. ત્યારે જાણીએ એશિયા કપની કેટલીક કોન્ટ્રોવર્સી વિશે...
ભારતે એશિયા કપ 1986માં ભાગ નહોતો લીધો
વર્ષ 1986માં જ્યારે બીજો એશિયા કપ રમાયો હતો, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે આ ટુર્નામેન્ટનો ભાગ નહોતો લીધો. વર્ષ 1984માં પહેલો એશિયા કપ જીત્યા પછી ભારતીય ટીમ આગામી ટુર્નામેન્ટમાં શ્રીલંકા ગઈ ન હતી. ભારતે આ ટુર્નામેન્ટમાં ભાગ ન લીધો તેની સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નહોતો. આ નિર્ણય પાછળનું સાચું કારણ શ્રીલંકા હતું. વર્ષ 1986માં શ્રીલંકા સરકાર અને લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) વચ્ચે ગૃહયુદ્ધ થયું હતું, જેના કારણે ભારત સરકારે ખેલાડીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી હતી અને 1986ના એશિયા કપ માટે ભારતીય ટીમ મોકલવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો.
વર્ષ 1990માં પાકિસ્તાનની ટીમ ભારત આવી ન હતી
વર્ષ 1990માં પાકિસ્તાને એશિયા કપનો બહિષ્કાર કર્યો હતો. તેનું કારણ વર્ષોથી ચાલી રહેલો કાશ્મીર વિવાદ હતો. વર્ષ 1989માં ભારતના પાકિસ્તાન પ્રવાસ પછી તરત જ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કાશ્મીરમાં ભારતની નીતિઓનો વિરોધ કરીને ભારત જવાનો ઈનકાર કર્યો હતો. પાકિસ્તાનની ગેરહાજરીમાં ભારતીય ટીમ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બની હતી.
શોએબ અખ્તર અને હરભજન સિંહ વચ્ચે ઝઘડ્યો
એશિયા કપ 2010માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 19મી જૂને દામ્બુલામાં મેચ રમાઈ હતી. ભારતીય ટીમે 1 બોલ બાકી રહેતા 3 વિકેટે રોમાંચક રીતે જીત મેળવી હતી. તે મેચની છેલ્લી ઓવરોમાં હરભજન સિંહ અને શોએબ અખ્તર વચ્ચે ઝઘડો થયો હતો.
મેચની છેલ્લી ઓવરમાં જ્યારે શોએબ અખ્તરે હરભજન સિંહને પરેશાન કરતો બોલ ફેંક્યો, ત્યારે મેદાન પર બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ તરત જ હરભજન સિંહે મોહમ્મદ આમિરના બોલ પર સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી અને યોગ્ય જવાબ આપ્યો. ત્યારબાદ બંને વચ્ચેનો મામલો વધુ વકર્યો. મામલો એ હદે પહોંચી ગયો હતો કે અખ્તર ભજ્જીના રૂમમાં તેની સાથે ઝઘડો કરવા ગયો હતો. જોકે, બંને વચ્ચે કોઈ ઝઘડો થયો નહીં. આ મેચમાં હરભજન સિંહે અણનમ 15 રન બનાવ્યા અને 2 સિક્સર ફટકારી.
અકમલ પર ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો હતો
19મી જૂનના રોજ આ જ મેચમાં ભજ્જી અને અખ્તર વચ્ચે થયેલી લડાઈ પહેલા ગૌતમ ગંભીર અને કામરાન અકમલ વચ્ચે ઉગ્ર દલીલ પણ જોવા મળી હતી. આ જોઈને ટીમના બાકીના ખેલાડીઓ અને અમ્પાયરોને દરમિયાનગીરી કરવા માટે મેદાન પર આવવું પડ્યું હતું. શાહિદ આફ્રિદીએ ગૌતમ ગંભીર તરફ બોલ ફેંક્યો, જે તેના બેટમાંથી પસાર થયો હતો. વિકેટકીપર કામરાન અકમલે આના પર અપીલ કરી. અકમલની આ અપીલ પર ગંભીર ગુસ્સે થયો હતો. ત્યારબાદ બંને ખેલાડીઓ મેદાન પર સામસામે આવી ગયા હતા.
આસિફ અને ફરીદ મેદાનમાં સામસામે આવી ગયા
વર્ષ 2022 એશિયા કપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ખેલાડીઓ અને ચાહકો વચ્ચે ઝઘડા જોવા મળ્યા હતા. એક તરફ ખેલાડીઓ મેદાનમાં જ ઝઘડો કર્યો હતો.,તો બીજી તરફ સ્ટેન્ડમાં ચાહકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરી હતા. આ કાર્યવાહી અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહેમદ અને પાકિસ્તાનના ઓલરાઉન્ડર આસિફ અલી સામે કરવામાં આવી. તે દરમિયાન ICC એ બંને ખેલાડીઓ પર મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો હતો.