ઈંગ્લેન્ડ સામે જીતની નજીક પહોંચેલા ભારત માટે વરસાદ બન્યો વિલન! જાણો હવામાન વિભાગની આગાહી
Image Twitter |
IND vs ENG 2nd Test 5th Day Weather Update: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ નિર્ણાયક લેવલ પર પહોંચી ગઈ છે. બર્મિંગહામ ટેસ્ટના ચોથા દિવસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા બીજી ઇનિંગ 6 વિકેટ પર 427 રન બનાવી ને જાહેર કરી છે અને ઈંગ્લેન્ડ સામે 608 રનનો વિશાળ ટારગેટ મુક્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે રમતના અંત સુધી 3 વિકેટ પર 72 રન બનાવ્યા હતા. જો કે, ક્રીઝ પર ઓલી પોપ 24 અને હેરી બ્રુક 15 રન બનાવી અણનમ છે. ભારત માટે જીતની આશા છે, પરંતુ જીત પર વરસાદ વિલન બન્યો છે.
આ પણ વાંચો: ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બનાવ્યાં 1000 રન, ગિલના રાજમાં કરી કમાલ
બર્મિંગહામમાં દિવસની શરૂઆત હળવા વરસાદ સાથે
યુકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બર્મિંગહામમાં દિવસની શરૂઆત હળવા વરસાદ સાથે થઈ શકે છે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 થી સાંજે 7:30 વાગ્યા સુધી વરસાદની શક્યતા 50% થી ઘટીને 30% રહેવાની આશા છે. જોકે, આ દરમિયાન સારા સમાચાર એ છે કે, રાત્રે 8:30 વાગ્યા પછી હવામાન મોટે ભાગે સ્વચ્છ રહેશે અને વરસાદની શક્યતા 10% કરતા ઓછી રહેશે. આ સાથે બપોરના ભોજન સમય દરમિયાન વાદળો છવાયેલા રહેવાની આગાહી કરી છે, જેના કારણે પ્રકાશની અસર થઈ શકે છે.
આ દરમિયાન ક્રિકેટ કોમેન્ટેટર હર્ષ ભોગલે મેચ અંગે અપડેટ આપતા કહ્યું કે, ઇંગ્લેન્ડમાં વરસાદ પડી રહ્યો છે (ઇંગ્લેન્ડ ભારતીય સમય કરતા 5.30 કલાક પાછળ છે). જોકે, સમય જતાં તેમાં ઘટાડો થશે.
બર્મિંગહામમાં ભારતીય સમય પ્રમાણે વરસાદની શક્યતા
- બપોરે 2.30 વાગ્યાથી વરસાદની સંભાવના 70 ટકા, તાપમાન 16
- બપોરે 3:30 વાગ્યાથી વરસાદ ઘટીને 50% સુધી, તાપમાન 16°C
- સાંજે 4:30 વાગ્યાથી આકાશ થોડું સ્વચ્છ, વરસાદની 40% શક્યતા, તાપમાન સ્થિર
- સાંજે 5:30 વાગ્યાથી વરસાદ વધુ ઘટીને 30% થયો, તાપમાન 17°C
- સાંજે 6:30 વાગ્યાથી હવામાન સારું, વરસાદ હજુ પણ 30%, તાપમાન 18°C સુધી વધી શકે છે
- સાંજે 7:30 વાગ્યાથી રાહતભર્યો સમય, વરસાદની શક્યતા 30%, તાપમાન 18°C
- રાત્રે 8:30 વાગ્યાથી લગભગ સ્વચ્છ હવામાન, વરસાદ માત્ર 10%, તાપમાન સ્થિર
- રાત્રે 9:30 વાગ્યાથી આકાશ સ્વચ્છ, વરસાદની શક્યતા 5% કરતા ઓછો, તાપમાન 18°C
- રાત્રે 10:30 વાગ્યાથી દિવસનો સૌથી સ્વચ્છ સમય, વરસાદની કોઈ ખાસ શક્યતા નથી, તાપમાન 18°C
આ પણ વાંચો: વૈભવ સુર્યવંશીએ ઈંગ્લેન્ડમાં કરી કમાલ, 52 બોલમાં સદી ફટકારી, U-19માં રચ્યો ઈતિહાસ
ભારતીય ટીમ જીતની નજીક
પહેલી ઇનિંગમાં ભારતે 587 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ 407 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઇન્ડિયાના બીજી ઇનિંગમાં કેપ્ટન શુભમન ગિલે 161 રનની શાનદાર સદી ફટકારી હતી, જ્યારે કેએલ રાહુલ (55), ઋષભ પંત (65) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 69) એ પણ અડધી સદી ફટકારી હતી. ભારતે દિવસની શરૂઆત એક વિકેટે 64 રનથી કરી હતી અને અંતે 427 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 72 રન બનાવી લીધા છે. ભારતે બર્મિંગહામના આ મેદાન પર અત્યાર સુધી કોઈ ટેસ્ટ મેચ જીતી નથી, તેથી જો કેપ્ટન ગિલની આગેવાની હેઠળની ટીમ આ મેચ જીતે છે, તો તે એક ઐતિહાસિક જીત માનવામાં આવશે, પરંતુ તેના માટે મેઘરાજા મહેરબાન થાય તો જ શક્ય છે.