IND vs ENG Test Match: રિષભ પંતે બીજી ઈનિંગમાં પણ ફટકારી સદી, બે દિગ્ગજના તોડ્યા રેકોર્ડ
India Vs England 1st Test : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે કે.એલ.રાહુલ બાદ રિષભ પંતે સદી ફટકારી છે. પંતે પ્રથમ ઈનિંગમાં 134 રન નોંધાવ્યા હતા, ત્યારે હવે તેણે બીજી ઈનિંગમાં પણ સદી ફટકારી છે. ત્યારબાદ તે 118 રનના સ્કોરે શોએબ બશીરની બોલિંગમાં આઉટ થયો છે. પ્રથમ ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઋષભ પંતે સદી ફટકારી હતી, જ્યારે બીજી ઈનિંગમાં પણ પંતે સદી ફટકારતા ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 471 રન નોંધાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 465 રન નોંધાવ્યા હતા.
બીજી ઈનિંગમાં જયસ્વાલ-ગિલ સસ્તામાં આઉટ
બીજી ઈનિંગની વાત કરીએ તો ઓપનિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલ માત્ર ચાર રને, સાંઈ સુદર્શન 30 રને અને સુકાની શુભમન ગિલ 8 રને આઉટ થયો છે. જ્યારે પંત 118 રને આઉટ થયો છે. બીજી ઈનિંગની બોલિંગમાં ઈંગ્લેન્ડ તરફથી બ્રેયડોન ક્રેસે બે વિકેટ અને બેન સ્ટોકે એક વિકેટ ઝડપી છે. ક્રેશે જયસ્વાલ અને ગિલને, બેન સ્ટોકે સુદર્શનને અને બશિરે પંતને આઉટ કર્યો છે.
પંતે બે દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા
ચોથા દિવસે સદી ફટકારનાર પંતની ઈંગ્લેન્ડની ભૂમિ પરની ચોથી ટેસ્ટ સદી છે. આ સાથે તે ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વઘુ સદી ફટકારનારો પ્રવાસી વિકેટ કિપર બની ગયો છે. અન્ય પ્રવાસી ટીમના વિકેટ કિપરો ઈંગ્લેન્ડમાં એકથી વઘુ સદી ફટકારી શક્યા નથી. જ્યારે વિદેશમાં કોઈ એક દેશમાં વિકેટ કિપરે સૌથી વઘુ સદી ફટકારી હોય તેવા રેકોર્ડમાં પંતે ઈંગ્લેન્ડના લેસ એમેસ અને ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરને રેકોર્ડ તોડ્યો છે. ઈંગ્લેન્ડના એમેસે વિન્ડિઝની ભૂમિ પર અને ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરે ભારતની ભૂમિ પર 3-3 ટેસ્ટ સદી ફટકારી હતી.
પંતના 150 કેચ
પંતે ત્રીજા દિવસની રમતમાં પી.ક્રિશ્નાની બોલિંગમાં પોપનો કેચ ઝડપવાની સાથે ટેસ્ટ કારકિર્દીમાં 150 કેચ પૂરા કર્યા હતા. આ સાથે તે સૌથી વઘુ કેચ ઝડપનારા ભારતીય વિકેટ કિપરોમાં ધોની (256 કેચ) અને સૈયદ કિરમાણી (160 કેચ) પછી ત્રીજા ક્રમે છે.
પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડના 465 રન, બુમરાહની 5, ક્રિશ્નાની 3 વિકેટ
ટેસ્ટના ત્રીજા દિવસે બુમરાહની પાંચ અને પ્રસિધ ક્રિશ્નાની ત્રણ વિકેટ છતાં ભારતની કંગાળ ફિલ્ડિંગને કારણે ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટમાં ત્રીજા દિવસે મેચમાં ટકી રહેવામાં સફળતા મેળવી હતી. ભારતના 471ના સ્કોર સામે ઈંગ્લેન્ડે પોપના 106 અને બૂ્રકના 99 રનની મદદથી પ્રથમ ઈનિંગમાં 465 રન નોંધાવ્યા હતા. આ સાથે ભારતને પ્રથમ ઈનિંગને સહારે છ રનની પાતળી સરસાઈ મળી હતી. બીજી વખત બેટિંગમાં ઉતરેલા ભારતે ત્રીજા દિવસની રમતના અંતે બે વિકેટે 90 રન નોંધાવ્યા હતા અને કુલ સરસાઈને 96 પર પહોંચાડી હતી. જયસ્વાલ 4 અને સાઈ સુદર્શન 30 રને આઉટ થયા હતા.
બુમરાહે કપિલની બરાબરી કરી
બુમરાહે વિદેશની ભૂમિ પર સૌથી વઘુ વખત પાંચ કે વઘુ વિકેટ ઝડપનારા ભારતીય ફાસ્ટ બોલરોના રેકોર્ડમાં કપિલ દેવની બરોબરી કરી લીધી છે. બુમરાહે 34 ટેસ્ટમાં 12મી વખત આવી સિદ્ધિ મેળવી છે. જ્યારે કપિલે 66 ટેસ્ટમાં 12 વખત આવો રેકોર્ડ સર્જ્યો હતો.
બંને ઈનિંગમાં પંતે સદી ફટકારી
ટેસ્ટના બીજા દિવસે ભારતના વિકેટ કિપર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે લીડ્સના હેડિંગ્લેમાં ચાલી રહેલી ટેસ્ટમાં કારકિર્દીની સાતમી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તેણે બીજી ઇનિંગમાં સદી નોંધાવી છે. પ્રથમ ઈનિંગમાં પંતે 178 બોલનો સામનો કરતાં 12 ચોગ્ગા અને છ છગ્ગા ફટકારતાં 134 રન નોંધાવ્યા હતા. આ સાથે તેણે વિક્રમોની વણઝાર સર્જી હતી. આક્રમક મિજાજ સાથે બેટિંગ કરવા માટે જાણીતા પંતે કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડતાં ટેસ્ટમાં સૌથી વઘુ સદી ફટકારનારા ભારતીય વિકેટ કિપર તરીકેનો કીર્તિમાન પોતાના નામે કર્યો હતો.
ગિલ-પંત વચ્ચે બેવડી શતકીય ભાગીદારી
ટેસ્ટના બીજા દિવસે ગિલ(127*) અને પંત (65*)ની જોડીએ બીજા દિવસે ભારતની ઈનિંગનો મજબૂત આરંભ કર્યો હતો. બંનેએ મક્કમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડને હંફાવ્યું હતું. તેમની વચ્ચે 301 બોલમાં 209 રનની ભાગીદારી ચોથી વિકેટમાં નોંધાઈ હતી.
ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી યુવા વયે પ્રવાસી ટીમના કેપ્ટનની સદી
ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી યુવા વયે સદી ફટકારનારા પ્રવાસી ટીમના કેપ્ટન તરીકેના રેકોર્ડમાં ગિલ ત્રીજા ક્રમે છે. ગિલે 25 વર્ષ અને 285 દિવસની દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથે 2003માં 22 વર્ષ અને 173 દિવસની ઉંમરે અને પાકિસ્તાનના જાવેદ બુરકીએ 1962માં 24 વર્ષ અને 44 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.