India vs Bangladesh: હાલ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. આ સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. ભારતની આ જીતમાં રવિચંદ્રન અશ્વિને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રોહિત શર્મા કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો, છતાં તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઇ ગયો છે. રોહિત ટીમ ઇન્ડિયામાં રહી સૌથી વધુ જીતમાં સામેલ હોવા બાબતે સચિન તેંદુલકરથી આગળ નીકળી ગયો છે. આ મામલે ધોની પણ રોહિત શર્માથી પાછળ છે. જો કે, રોહિત શર્મા હજુ પણ વિરાટ કોહલીથી પાછળ છે.
કરિયરની 483માંથી 308 મેચ જીત્યો
હકિકતમાં, રોહિત શર્માએ તેના ક્રિકેટ કરિયરમાં રમેલી 483 મેચોમાંથી 308 મેચોમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી છે. આ દરમિયાન તેણે કુલ 19,234 રન બનાવ્યા છે. સચિન તેંદુલકર આ મામલે 307 મેચોમાં જીતનો ભાગ રહ્યો છે. ત્યાં જ વિરાટ કોહલીના રમતી વખતે ટીમ ઇન્ડિયાએ 322 મેચો જીતી છે. આ યાદીમાં ધોની ખૂબ પાછળ જોવા મળે છે. આ ઉપરાંત જો ઓવર ઓલ યાદી જોઇએ તો ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ 377 જીત સાથે આ મામલે ટોચ પર છે.
આ પણ વાંચોઃ IPL 2025 પહેલા મોટા સમાચાર: CSK ધોનીને રિટેન કરવા તૈયાર, પણ પૈસા મામલે આપ્યો ઝટકો
ચેન્નઇ ટેસ્ટમાં રોહિત ફ્લોપ
ટીમ ઇન્ડિયાએ ચેન્નઇમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને હરાવી દીધું છે, પરંતુ કેપ્ટન રોહિત શર્મા આ જીતમાં કોઇ ખાસ યોગદાન આપી શક્યો નહોતો. તે પહેલી ઇનિંગમાં 19 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં 7 બોલમાં 5 રન બનાવી આઉટ થયો હતો. આમ, બાંગ્લાદેશ સામે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા ફ્લોપ પુરવાર થયો હતો.
ચેન્નઇ બાદ હવે કાનપુરમાં મુકાબલો
પહેલી મેચમાં બાંગ્લાદેશને ભારતીય ટીમ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઇમાં અશ્વિન સાથે શુભમન ગિલ અને ઋષભ પંતે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. હવે આ સીરિઝનો બીજો અને છેલ્લો મુકાબલો 27 સપ્ટેમ્બરે કાનપુરના ગ્રીનપાર્કમાં યોજાશે.


