ચોતરફી ટીકા બાદ આજે રમાનાર ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ રદ, શિખર ધવને કહ્યું - દેશ સર્વોપરી
WCL India vs Pakistan Match Cancel : વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સ (WCL) માં યોજાનારી ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની મેચ હવે રદ કરવામાં આવી છે. આ મેચ પર ચાલી રહેલા વિવાદ અને નારાજગી વચ્ચે આયોજકોએ એક સત્તાવાર નિવેદન જારી કરીને મેચ રદ કરવાની જાહેરાત કરી છે.
શિખરે કરી પોસ્ટ...
અગાઉ ઘણા પૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના અને યુસુફ પઠાણે ચોતરફી ટીકાનો સામનો કર્યા બાદ આ મેચમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. શિખર ધવને આ અંગે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી અને લખ્યું કે - 'મારો દેશ મારા માટે સર્વોપરી છે અને દેશથી મોટું કંઈ નથી.'
WCL એ તેના નિવેદનમાં શું કહ્યું?
WCL એ તેના નિવેદનમાં કહ્યું, 'WCL માં અમે હંમેશા ક્રિકેટને ખૂબ પ્રેમ કરતા આવ્યા છીએ અને અમારો એકમાત્ર હેતુ પ્રેક્ષકોને કેટલીક સારી અને ખુશીની ક્ષણો આપવાનો રહ્યો છે. જ્યારે અમને ખબર પડી કે આ વર્ષે પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવી રહી છે અને તાજેતરમાં ભારત-પાકિસ્તાન વોલીબોલ મેચ સહિત કેટલીક અન્ય રમતોમાં બંને દેશો વચ્ચે મેચો છે ત્યારે અમે WCL માં ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરીને લોકો માટે કેટલીક યાદગાર અને ખુશ ક્ષણો બનાવવાનું વિચાર્યું.'
કહ્યું - અજાણતાં અમારાથી લોકોની લાગણીઓ ઉશ્કેરાઈ ગઈ
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'પરંતુ કદાચ આ પ્રક્રિયામાં અમે ઘણા લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી અને અજાણતાં ઘણી લાગણીઓ ઉશ્કેરાઈ ગઇ. આ ઉપરાંત, અમે એવા ભારતીય ક્રિકેટ દિગ્ગજોને મુશ્કેલ સ્થિતિમાં મૂક્યા જેમણે દેશને ગૌરવ અપાવ્યું છે. આ સાથે, અમે તે બ્રાન્ડ્સને પણ અસર કરી જે ફક્ત રમત પ્રત્યેના પ્રેમને કારણે અમને ટેકો આપી રહ્યા હતા. તેથી જ અમે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે.'