IND vs SA: પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય, ખેલાડીઓની નિરાશાજનક બેટિંગ

South Africa Win First Test : સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો છે. સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ. આ મુકાબલામાં સાઉથ આફ્રિકાનો 30 રનથી વિજય થયો. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 93 રનમાં જ સમેટાઈ ગઈ. સાઉથ આફ્રિકાના સ્પિનર હાર્મરે મેચમાં 8 વિકેટો ખેરવી.

પ્રથમ ઈનિંગ બાદ ભારત પાસે હતી લીડ
મેચની શરૂઆતમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમબા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સાઉથ આફ્રિકાની ટીમ 159 રન ઓલ આઉટ થઈ. જે બાદ ભારતીય ટીમે 189 રન ફટકાર્યા અને 30 રનની લીડ હાંસલ થઈ. જેમાં સૌથી વધુ રન કે એલ રાહુલે બનાવ્યા હતા. ભારતીય ટીમની 9 વિકેટ પડી હતી, જ્યારે શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો હોવાના કારણે રમી ન શક્યો.

બીજી ઈનિંગમાં ભારતીય ટીમ 93 રન પર સમેટાઈ
સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ 153 રન પર સમેટાઈ. ટીમ ઈન્ડિયાને જીત માટે 124 રનની જરૂર હતી. જોકે ભારતીય ટીમની બીજી ઈનિંગ 93 રન પર સમેટાઈ જતાં સાઉથ આફ્રિકાનો 30 રને વિજય થયો છે.
શુભમન ગિલ ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. જે અંગે BCCIએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કોલકાતામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જોકે મેદાન પર જ ઈજાગ્રસ્ત થવાના કારણે શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. જે બાદ રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો. BCCIએ સમગ્ર મામલે આજે સવારે સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે, કે કોલકાતામાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચના બીજા દિવસે કેપ્ટન શુભમન ગિલને ગરદનમાં ઈજા પહોંચી. સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવાયો, હાલ તે ત્યાં જ છે. જેના કારણે તે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બાહર થઈ ગયો છે. BCCIની મેડિકલ ટીમ ગિલ પર સતત નજર રાખી છે.

