Get The App

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ 1 - image


Ind vs West Indies Test: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે એક ઇનિંગ અને 140 રનથી જીત મેળવી હતી. ત્રીજા દિવસે (4 ઓક્ટોબર) લંચ પછી વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ 146 રનમાં સમેટાઈ ગયો હતો. આ મેચમાં ભારત માટે રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. સદી ફટકારવા ઉપરાંત, તેણે બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.

ત્રીજા દિવસની રમત કેવી રહી

ભારત દ્વારા આપવામાં આવેલા 260 રનના વિશાળ લીડનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની બીજી ઇનિંગમાં શરૂઆતમાં જ 5 વિકેટો પડી જતાં કેરેબિયન ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી. જોકે લંચ બાદ ફરી જાડેજાએ તરખાટ મચાવતા 146 રનમાં જ વેસ્ટ ઈન્ડિઝની ટીમે શરણાગતિ સ્વીકારી લીધી હતી. 

ટીમ ઈન્ડિયાએ દાવ ડિક્લેર કર્યો હતો 

આ મેચમાં, ભારતીય ટીમે પોતાનો પહેલો દાવ 5 વિકેટે 448 રન પર ડિકલેર કર્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 286 રનની લીડ મેળવી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.

વેસ્ટ ઈન્ડિઝના બેટર્સની શરણાગતિ 

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ પણ બીજી દાવમાં ખરાબ પ્રદર્શન કર્યું. દિવસની શરૂઆતમાં મહેમાન ટીમે 50 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ જોન કેમ્પબેલ (14 રન), બ્રાન્ડન કિંગ (5 રન) અને શાઈ હોપ (1 રન) ને આઉટ કર્યા. મોહમ્મદ સિરાજે તેજનારાયણ ચંદ્રપોલ (8 રન) ને આઉટ કર્યા. ચાઈનામેન કુલદીપ યાદવે કેપ્ટન રોસ્ટન ચેઝને સસ્તામાં આઉટ કર્યો. પાંચ વિકેટ પડ્યા પછી, એલિક એથાનાસે (38 રન) અને જસ્ટિન ગ્રીવ્સ (25 રન) એ 46 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી તૂટ્યા પછી, ભારતનો વિજય માત્ર ઔપચારિકતા બની ગયો. રવિન્દ્ર જાડેજાએ બીજી દાવમાં ચાર વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી. કુલદીપ યાદવે બે વિકેટ અને વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી.

ટીમ ઈન્ડિયાના ત્રણ બેટર્સે ફટકારી હતી સદી 

ટીમ ઈન્ડિયાના કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. ઓપનર કેએલ રાહુલે 197 બોલમાં 100 રન બનાવ્યા હતા, જેમાં 12 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. રાહુલની આ 11મી ટેસ્ટ સદી હતી અને ઘરઆંગણે તેની બીજી ટેસ્ટ સદી હતી. જ્યારે ધ્રુવ જુરેલે 210 બોલમાં 125 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો. જ્યારે આ ટેસ્ટના સ્ટાર રહેલા જાડેજાએ 176 બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા. 

Tags :