Get The App

IND vs AFG: ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી મોટી જીત, ગિલ-રાહુલની સદી; સ્પિનર્સનો તરખાટ

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
India biggest Test win history


India Records Biggest Test Win Ever by An Innings and 300 Runs : ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે. ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવીન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી વન-ઓફ ટેસ્ટ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનના વિશાળ માર્જિનથી કારમો પરાજય આપ્યો છે. રન અને ઇનિંગ્સની દ્રષ્ટિએ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક જીત સાબિત થઈ છે.

ભારતીય ટીમે મેચમાં સંપૂર્ણપણે પ્રભુત્વ જમાવી રાખ્યું હતું અને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ માત્ર 3 જ દિવસમાં રમતને સમાપ્ત કરી દીધી હતી.

કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી

મેચની શરૂઆત ભારતીય બેટર્સના દબદબા સાથે થઈ હતી. કેપ્ટન શુભમન ગિલ અને અનુભવી બેટર કેએલ રાહુલે શાનદાર સદીઓ ફટકારીને ભારતને એક મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. આ બંને સ્કોરર્સના દમ પર ભારતે 564/8 રનનો વિશાળ સ્કોર બનાવીને પોતાની પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી.

બે વખત ઓલઆઉટ થઈ અફઘાનિસ્તાનની ટીમ 

ત્યારબાદ ભારતીય સ્પિનર્સે એવો જાદુ ચલાવ્યો કે અફઘાનિસ્તાનની આખી ટીમ એક જ દિવસમાં બંને ઇનિંગ્સમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાનની ટીમ પહેલી ઇનિંગ્સમાં માત્ર 152 રન અને બીજી ઇનિંગ્સમાં 112 રન જ બનાવી શકી હતી, જેના કારણે તેમણે આ મોટી હારનો સામનો કરવો પડ્યો.

ડેબ્યૂ મેચમાં જ માનવ સુથારનો તરખાટ, કુલ 7 વિકેટ ખેરવી

આ ઐતિહાસિક જીતમાં ભારતના યુવા સ્પિન બોલર્સે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી રહેલા ડાબોડી સ્પિનર માનવ સુથારે અફઘાનિસ્તાનની પહેલી ઇનિંગ્સમાં માત્ર 33 રન આપીને 6 વિકેટ ઝડપી લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં પણ એક વિકેટ ઝડપી હતી. 

બીજી તરફ, બીજી ઇનિંગ્સમાં વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવની જોડીએ મળીને કુલ 7 વિકેટો ઝડપી હતી. જેમાં કુલદીપ યાદવે 3 અને સુંદરે 4 વિકેટ ઝડપી હતી.