IND VS SA: કેપ્ટન રિષભ પંતને અમ્પાયરે આપી ડબલ વોર્નિંગ, ICCનો આ નિયમ નડ્યો, જાણો શું ભૂલ કરી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND VS SA: ગુવાહાટીના બરસાપા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંત ICCના નવા નિયમના ભંગ બદલ ચર્ચામાં આવ્યા છે. બીજા દિવસે (23મી નવેમ્બર) ભારતીય બોલરો દ્વારા ઓવરો વચ્ચે વધુ સમય લેવામાં આવતા, ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ કેટલબરોએ રિષભ પંતને વોર્નિંગ આપી હતી.
પંતને મળી બે વોર્નિંગ, કુલદીપ પર ગુસ્સો
ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલા રિષભ પંતને દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ્સમાં આ વોર્નિંગ મળી હતી. જો કે, નિયમોના કારણે તેમને ટેકનિકલી બે વોર્નિંગ મળી ચૂકી છે. પંતને મેચના પહેલા દિવસે 45મી ઓવરમાં વોર્નિંગ આપવામાં આવી હતી.
ટેસ્ટ ક્રિકેટના નિયમો અનુસાર, 80 ઓવર પૂર્ણ થયા પછી વોર્નિંગ ફરીથી સેટ કરવામાં આવે છે. તેથી, બીજા દિવસે 88મી ઓવરમાં જ્યારે સ્પિનર કુલદીપ યાદવ ઓવર શરૂ કરવામાં વિલંબ કરી રહ્યો હતો, ત્યારે પંતને ફરી વોર્નિંગ મળી. આ વોર્નિંગ 80 ઓવર પછીના નવા ચક્રની ગણાશે. 88મી ઓવર શરૂ થાય તે પહેલાં પંતે કુલદીપ યાદવને ઉતાવળ કરવા કહ્યું હતું, જે સ્ટમ્પ માઇક પર કેદ થયું હતું. પંતે કહ્યું, 'ટાઈમર ચાલુ છે, જલ્દી કરો. શું તમે ઘરે રમી રહ્યા છો?'
જો ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની પહેલી ઇનિંગ્સમાં આગામી 80 ઓવરના ચક્રમાં વધુ બે વોર્નિંગ મળે છે, તો બેટિંગ ટીમને 5 રનનો દંડ ફટકારવામાં આવશે. નોંધનીય છે કે, આ મેચમાં ઇજાગ્રસ્ત શુભમન ગિલની ગેરહાજરીને કારણે રિષભ પંતને કેપ્ટનશીપ કરવાની તક મળી છે.
ICCનો 'સ્ટોપ ક્લોક' નિયમ શું છે?
રિષભ પંતને ICCના 'સ્ટોપ ક્લોક' નિયમને કારણે વોર્નિંગ મળી છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2025-27)ના નવા ચક્રથી અમલમાં આવ્યો છે. આ નિયમ હેઠળ દરેક ઓવર સમાપ્ત થયા પછી 60 સેકન્ડની અંદર આગામી ઓવર શરૂ કરવી ફરજિયાત છે. ટીમને વિલંબ માટે બે વોર્નિંગ મળે છે. ત્રીજા વિલંબના પરિણામે બેટિંગ ટીમને 5 રનનો દંડ ફટકારવામાં આવશે. આ વોર્નિંગ દર 80 ઓવર પછી ફરીથી સેટ થશે.









