મોહમ્મદ શમીની વાપસીની તારીખ થઈ નક્કી, દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં રમે તેવી શક્યતા

Mohammed Shami Come Back: ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી મેદાનમાં વાપસી માટે તૈયાર છે. લાંબા સમયથી ઈજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા બાદ શમીએ રણજી ટ્રોફીમાં પોતાના જૂના અંદાજમાં વાપસી કરી છે. તેની ઘાતક બોલિંગ અને ફિટનેસે સિલેક્ટર્સને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સીરિઝમાં તેને તક આપવી જોઈએ કે નહીં તે અંગે વિચાર કરવા મજબૂર કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શમીએ ટ્રેનિંગ સેશનમાં પણ શાનદાર ગતિ અને નિયંત્રણ દેખાડ્યું છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ વધ્યો છે.
ચીફ સિલેક્ટર અજિત અગરકર સાથે મતભેદ
જોકે તેની સંભવિત વાપસી વચ્ચે ચીફ સિલેક્ટર અજિત અગરકર સાથે મતભેદના સમાચાર પણ સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પસંદગી નીતિ અને ટીમ બેલેન્સને લઈને બંનેના મંતવ્યો અલગ-અલગ છે. આવી સ્થિતિમાં હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું શમી પોતાની ફિટનેસ અને પ્રદર્શનના દમ પર આ વિવાદોને પાછળ છોડીને ફરી એકવાર ટીમ ઈન્ડિયાની ટેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકશે. ટીમની પસંદગી 8 કે 9 નવેમ્બરના રોજ થઈ શકે છે.
ભારત vs દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરિઝ
આ રણજી સિઝનની પહેલી બે મેચમાં લાંબા સ્પેલ ફેંકનાર અને 15 વિકેટ લેનાર શમીએ આમ તો પોતાની ફિટનેસ સાબિત કરી છે અને તેના સાથી ખેલાડીઓ પણ તેના સમર્થનમાં આવ્યા છે. અભિષેક પોરેલે અત્યાર સુધીની વર્તમાન સિઝનની બંને રણજી મેચ મોહમ્મદ શમી સાથે રમ્યો છે. તેણે જણાવ્યું કે, 'છેલ્લી બે મેચમાં તેણે જે સ્પેલ ફેંકી છે તે ખૂબ જ અસાધારણ રહ્યા છે. દુનિયામાં માત્ર થોડા જ બોલરો આવા સ્પેલ ફેંકી શકે છે. જેવું તેણે ઉત્તરાખંડ સામેની મેચના ચોથા દિવસની સવારે કર્યું હતું. તેના તે સ્પેલ જોઈને એ સમજાય ગયું કે ડોમેસ્ટિક બોલર અને દિગ્ગજ બોલર વચ્ચે શું તફાવત હોય છે.' તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પાછા ફર્યા પછી ભારત દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. ભારત vs દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થશે, જેની પહેલી મેચ શમીના પ્રિય મેદાન ઈડન ગાર્ડન્સ પર રમાશે.
મને હવે ફિટનેસ સબંધી કોઈ સમસ્યા નથી: શમી
મોહમ્મદ શમી ખુદ ઘણી વાર કહી ચૂક્યો છે કે મને હવે ફિટનેસ સબંધી કોઈ સમસ્યા નથી, પરંતુ કમનસીબે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી તેની ટીમ ઈન્ડિયામાં વાપસી નથી થઈ. થોડા સમય પહેલા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું હતું કે, શમી સંપૂર્ણ ફિટ ન હોવાના કારણે તેની ટીમમાં પસંદગી કરવામાં નથી આવી. અજિત અગરકરના દાવા બાદ શમીએ ખુદ મીડિયામાં આવીને કહ્યું હતું કે, જો હું અનફિટ હોત તો રણજી ટ્રોફીમાં બંગાળ માટે ન રમી રહ્યો હોત. શમ રણજી ટ્રોફીની 2 મેચોમાં અત્યાર સુધીમાં 68 ઓવર બોલિંગ કરી ચૂક્યો છે, લાંબા સ્પેલ્સ ફેંક્યા છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે તેણે માત્ર બે રણજી ટ્રોફી મેચોમાં 15 વિકેટ ઝડપી છે. તેણે એવરેજ એક મેચમાં 34 ઓવર ફેંકી છે, જે દર્શાવે છે કે તે મેચ-ફિટ છે અને ફરીથી ભારતીય ટીમ માટે હિટ બનવા માટે ઉત્સુક છે.

