આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે આ સ્ટાર ખેલાડી, BCCIએ કર્યો રીલિઝ, હવે રાજકોટ આવશે

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરથી કોલકાતામાં રમાશે. કોલકાતા ટેસ્ટ પહેલા ભારતીય ટીમ અંગે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી સાથે સબંધિત છે.
ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ટેસ્ટ ટીમમાંથી રીલિઝ કરવામાં આવ્યો
BCCIએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણકારી આપી છે કે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ટેસ્ટ ટીમમાંથી રીલિઝ કરવામાં આવ્યો છે. નીતિશ ઈન્ડિયા-A એ ટીમમાં સામેલ થશે અને દક્ષિણ આફ્રિકા-A સામે રાજકોટમાં વન-ડે સીરિઝમાં રમશે. વન-ડે સીરિઝ સમાપ્ત થયા પછી બીજી ટેસ્ટ માટે તેને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરી લેવામાં આવશે.
રેડ્ડીનું સ્થાન ધ્રુવ જુરેલ લેશે
ભારતીય ટીમના સહાયક કોચ રયાન ટેન ડોશેટે પણ નીતિશ કુમાર રેડ્ડીને પ્રથમ ટેસ્ટમાંથી રીલિઝ કર્યો હોવાની પુષ્ટિ કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, નીતિશ રેડ્ડીના સ્થાને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં વિકેટ કીપર ધ્રુવ જુરેલને સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવશે. વિકેટકીપિંગની જવાબદારી રિષભ પંત જ સંભાળશે.
ધ્રુવ જુરેલની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે મજબૂત દાવેદારી
ધ્રુવ જુરેલ પહેલાથી જ ભારતીય ટેસ્ટ ટીમનો હિસ્સો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટની બંને ઈનિંગ્સમાં સદી ફટકારીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે મજબૂત દાવેદારી રજૂ કરી હતી. જુરેલે વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ સીરિઝમાં પણ સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે તેને અવગણવું મુશ્કેલ થશે.
રેડ્ડીને આ કારણોસર સતત ટક આપવામાં આવી રહી છે
નીતિશ કુમાર રેડ્ડીને ટેસ્ટ ફોર્મેટમાં એક એક નિષ્ણાત ઓલરાઉન્ડર તરીકે વિકસિત કરવાનો વિચાર ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કોચ ગૌતમ ગંભીરનો છે. આ જ કારણોસર રેડ્ડીને સતત તકો આપવામાં આવી રહી છે. રેડ્ડી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમનો હિસ્સો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રેડ્ડીએ બેટ્સમેન તરીકે પ્રભાવિત કર્યા હતા અને સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તે પ્રભાવી નહોતો રહ્યો. રેડ્ડીએ 9 ટેસ્ટમાં 386 રન બનાવવાની સાથે-સાથે 8 વિકેટ પણ ખેરવી છે.

