IND vs PAK: રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા વચ્ચે ભારત-પાક.ની મેચમાં થયેલી બબાલ, ચેમ્પિયન્સ ટ્રોફીનો 8 વર્ષ જૂનો ઘા
IND vs PAK: Champions Trophy 2025 માં આવતીકાલે ભારત અને પાકિસ્તાનની (India vs Pakistan) ટીમો આમનેસામને ટકરાશે. બંને કટ્ટર હરીફો વચ્ચેની આ હાઇ વૉલ્ટેજ મેચ અગાઉ ક્રિકેટ પ્રેમીઓને ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ યાદ આવી ગઈ હશે. વિરાટ કોહલીની આગેવાનીમાં છેક ફાઇનલમાં પહોંચી ગયેલી ભારતીય ટીમ પાકિસ્તાન સામે ખરાબ રીતે હારી હતી. આ મેચમાં એક સમયે હાર્દિક પંડ્યાએ ટીમ માટે જીતની આશા ઊભી કરી હતી પરંતુ તે ખરા સમયે રનઆઉટ થઈ જતાં ભારતીય ક્રિકેટ ચાહકો અને હાર્દિક પંડ્યા પોતે પણ ઘણો નિરાશ થયો હતો. તેની નારાજગી તેણે મેદાન પર જ દર્શાવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ આ હારનો બદલો લેવા માટે તત્પર હશે.
Champions Trophy 2017 ની ફાઇનલ
18 જૂન 2017નો એ દિવસ હતો. લંડનના પ્રખ્યાત ઓવલ ક્રિકેટ મેદાન ખાતે ભારત અને પાકિસ્તાન જેવા કટ્ટર હરીફો આમને સામને હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્રારંભિક સફળતા સમાન ટોસ પણ જીતી લીધો હતો. ભારતે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત પાસે બુમરાહ, ભુવનેશ્વર કુમાર, અશ્વિન અને જાડેજા કુશળ બોલર્સની ફોજ હતી. પરંતુ પાકિસ્તાની ઓપનર્સ અઝહર અલી અને ફખર ઝમાન બેટિંગમાં અવતાંવેંત એવા ચોંટ્યા કે ભારતના દિગ્ગજ બોલર્સ પણ હાંફી ગયા હતા. પાકિસ્તાનની પહેલી વિકેટ છેક 128 રને પડી હતી. ઓપનર અઝહર અલીએ ફિફ્ટી અને ફખર ઝમાને સેન્ચ્યુરી ફટકારી. ત્યાર બાદ મોહમ્મદ હફિઝે પણ ફિફ્ટી ફટકારી હતી. 50 ઓવર્સના અંતે પાકિસ્તાનની ટીમનો ટોટલ સ્કોર હતો 4 વિકેટ પર 338 રન.
આ જંગી પડકારનો સામનો કરવા ઉતરેલી ભારતીય ટીમે પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર સામે રીતસર ઘૂંટણિયા ટેકવી દીધા હતા. રોહિત શર્માએ પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી ત્યારે ટીમનો સ્કોર 0 હતો. ત્યાર પછી પોતાની બીજી જ ઓવરમાં આમિરે વિરાટ કોહલીને 5 રનના સ્કોર પર આઉટ કરી દીધો. આખી ટુર્નામેન્ટમાં જબરદસ્ત બેટિંગ કરનાર ગબ્બર ધવન પણ આમિરનો જ શિકાર બન્યો હતો. ભારતે જીતની આશા સદંતર ગુમાવી દીધી હતી કારણ કે 54 રનના સ્કોર પર તો અડધી ટીમ પેવેલિયનભેગી થઈ ગઈ હતી.
ભારતીય ટીમ માટે અચાનક આશા જગાડી 7મી વિકેટની ભાગીદારીએ. બે ગુજરાતી ક્રિકેટર્સ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 76 રનની ભાગીદારી નોંધાવી. મેદાનમાં સામેની તરફ સ્કોર કરવાનું પસંદ કરતો હાર્દિક મિડ ઑનની દિશામાં એક પછી એક છગ્ગા ફટકારી બોલને પ્રેક્ષકોમાં પહોંચાડી રહ્યો હતો. તેણે 43 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 76 રન ફટકારી દીધા હતા. મેચ જોનાર દર્શકોને લાગવા માંડ્યું કે હાર્દિક જો આ જ રીતે બેટિંગ કરે અને જાડેજા એમાં સહયોગ કરે તો ભારતની જીત અશક્ય તો નથી.
ભારતીય ઈનીંગની 27મી ઓવરમાં પાકિસ્તાની બોલર હસન અલી બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલે બંને ભારતીય બેટર્સ વચ્ચે સિંગલ લેવા બાબતે મિક્સ અપ થયું. આમ તો બંને સારું દોડી શકે એવા ક્રિકેટર્સ છે પરંતુ આ માત્ર મિક્સ અપ નહીં બ્લન્ડર હતું. હાર્દિક પંડ્યાએ ગુસ્સા અને નિરાશા સાથે મેદાન છોડવું પડ્યું. આ વિકેટ ટીમ ઈન્ડિયાની હારની ખોદાયેલી કબરના છેલ્લા ખિલ્લા સમાન કહી શકાય. કારણ કે ત્યાર પછી ભારત માત્ર 6 જ રન બનાવી શક્યું અને આ સાથે ભારતનું ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું સપનું રોળાઇ ગયું. ભારતીય ક્રિકેટ ફેન્સ અને આ બંને ગુજરાતી ક્રિકેટર્સ આ રન આઉટને આજ સુધી ભૂલી નહીં શક્યા હોય. ભારત માટે 2011 વર્લ્ડકપ વિજયના 6 વર્ષ પછી એક ICC ટુર્નામેન્ટ જીતવાની તક હતી જે અધૂરી રહી ગઈ.