IND vs PAK : 5 એવી ક્ષણો જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની કરી બરાબરની ફજેતી
IND vs PAK Asia Cup 2025: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. પાકિસ્તાનના સુકાની સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલરોએ પાકિસ્તાની બેટર્સને ઘૂંટણીયે લાવી દીધા હતા, જેના કારણે આખી ટીમ ફક્ત 127 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. 128 રનના ટાર્ગેટનો પીછો કરતાં, ભારતે સરળતાથી મેચ જીતી લીધી, જેમાં સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. મેચમાં પાકિસ્તાનને હરાવવા ઉપરાંત પણ, ભારતે અનેક મોકો પર પાકિસ્તાનની ફજેતી કરી. જેમાં...
ટોસ દરમિયાન હાથ ન મિલાવ્યો
રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન, ટોસ પહેલા, પછી કે મેદાન છોડતી વખતે પણ, ભારતીય ખેલાડી સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો નહીં.
મેચ દરમિયાન વાત ન કરી
સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજાની ભાષા સમજતા હોવાથી મેદાન પર વધુ વાતચીત કરતા હોય છે. જોકે, રવિવારની મેચમાં આ પરિસ્થિતિ અલગ હતી, જ્યાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે બહુ ઓછી વાતચીત કરી.
મેદાન પર ન રોકાયા સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે
સૂર્યકુમાર યાદવે 16મી ઓવરના પાંચમા બોલ પર સિકસર ફટકારીને ભારતને મેચ જીતાડી. પરંતુ વિજય પછી, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે મેદાન પર ન રોકાયા અને તરત જ ડ્રેસિંગ રૂમ તરફ ચાલ્યા ગયા, જેના કારણે પાકિસ્તાની ખેલાડીઓ તેમને જોતા જ રહી ગયા. સામાન્ય રીતે, મેચ જીત્યા બાદ વિજેતા ટીમ હરીફ ટીમના ખેલાડીઓ સાથે હાથ મિલાવતી હોય છે, પણ ભારતીય ખેલાડીઓએ આવું ન કર્યું. તેમનો આ નિર્ણય ભારતમાં આતંકવાદ ફેલાવતા દેશ સામે ખેલદિલી ન બતાવવાનો હતો.
ભારતીય ખેલાડીઓએ આતંકવાદ ફેલાવતા દેશ સામે ખેલદિલી ન બતાવી
ભારતની જીત પછી ડ્રેસિંગ રૂમમાં બધા ખેલાડીઓએ તાળીઓ પાડી અને સૂર્યા અને શિવમ સાથે હાથ મિલાવ્યા. જોકે ભારતીય ટીમ જીત બાદ મેદાન પર પાછી ન ફેરી. મેચ પૂરી થયા બાદ ખેલદિલીના ભાગરૂપે, બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમ ન કર્યું. પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર તેમની રાહ જોતા રહ્યા, જ્યારે ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ રૂમમાં જ અંદરોઅંદર હાથ મિલાવીને ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો.
ગૌતમ ગંભીરે પહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો
મેચ પછી ગૌતમ ગંભીરે પહલગામ હુમલાનો ઉલ્લેખ કરીને 'ઓપરેશન સિંદૂર' માટે સશસ્ત્ર દળોનો આભાર માન્યો અને જણાવ્યું કે શા માટે અમે મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે આવું વર્તન કર્યું. તેમણે કહ્યું, 'એક ટીમ તરીકે, અમે પહલગામ આતંકી હુમલામાં પીડિત તમામ પરિવારો પ્રત્યે અમારી એકતા બતાવવા માંગતા હતા. અમે સશસ્ત્ર દળોને તેમના સફળ ઓપરેશન માટે આભાર માનવા માંગીએ છીએ.'