World Cup 2023 : આ ફાસ્ટ બોલરના ફેન થયા પીએમ મોદી, સોશ્યલ મીડિયા પર કર્યા વખાણ
ભારતે સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું

| Image:IANS |
PM Modi on Mohammed Shami : ભારતે ન્યુઝીલેન્ડને ODI World Cup 2023ની સેમિફાઈનલમાં 70 રનથી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. આ મેચમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન બતાવતા 7 વિકેટ ઝડપી હતી. શમીની ઘાતક બોલિંગ જોઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેના ફેન થઇ ગયા છે. તેઓએ શમીના વખાણ કરતા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
પીએમ મોદી થયા શમીના ફેન
નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, 'આજની સેમિફાઇનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની હતી. મોહમ્મદ શમીની શાનદાર બોલિંગને ક્રિકેટ પ્રેમીઓ અને આવનારી પેઢીઓ યાદ રાખશે. વેલ પ્લેડ શામી!' શમીએ ODI World Cup 2023ની 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે. ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન બદલ તેણે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.
ભારતીય ટીમની સતત 10મી જીત
ભારતે ન્યુઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 327 રનમાં સમેટાઈ ગઈ હતી. ODI World Cup 2023માં ભારતીય ટીમની આ સતત 10મી જીત છે. ભારતની જીત પર પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત ઘણા નેતાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

