IND vs NZ: ભારત ટોસ ન જીતે તો સારું! પૂર્વ ભારતીય ક્રિકેટરે રોહિત શર્માના નસીબ પર આવું કેમ કહ્યું?
Champions Trophy Final: આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે. રવિવારે (9 માર્ચ) ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજા સામે ફરીથી ટકરાશે કારણ કે અગાઉ ભારતે આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. ટોસ ભારતીય સમય મુજબ બપોરે 2:00 વાગ્યે થશે. ભારત લીગ રાઉન્ડમાં અપરાજિત રહ્યું હતું. જેથી ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે.
પહેલા રાઉન્ડમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને હરાવ્યા હતા. પરંતુ છેલ્લી લીગ મેચમાં તેઓને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવ્યું. જો કે આ ટીમે 2000 ICC નોકઆઉટ ટ્રોફીમાં ભારતને હરાવીને અત્યાર સુધીનું તેઓનું એકમાત્ર વ્હાઇટ-બોલ ICC ટાઇટલ જીત્યું હતું. ભારત પાસે એ પરાજયનો બદલો લેવાની તક આજે 25 વર્ષ પછી ફરીથી આવી છે.
ટોસ અંગે ભારતના પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને કહ્યું હતું કે, 'ભારત ભલે ટોસ હારી જાય. એવું થશે તો ટીમ સ્કોર ડિફેન્ડ કે ચેઝ કરવાના દબાણમાંથી મુક્ત થઈ જશે. ભારત બંને રીતે મજબૂત છે. તેમણે આ ટુર્નામેન્ટમાં સ્કોર ચેઝ પણ કર્યો છે અને ડિફેન્ડ પણ સારી રીતે કર્યો છે. ન્યૂઝીલેન્ડને ટોસ જીતવા દો અને નક્કી કરવા દો કે એમને શું કરવું છે.'
ભારતે આ ટુર્નામેન્ટમાં પ્રથમ બેટિંગ અને બોલિંગ કરીને બંને રીતે મેચો જીતી છે અને આખી ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે. તો બીજી તરફ કેપ્ટન રોહિત શર્મા એકપણ ટોસ જીત્યો નથી. તેમ છતાં ભારત ફાઇનલમાં પહોંચ્યું છે. અગાઉ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં અમદાવાદમાં ટોસ જીતવા છતાં ભારત રોહિત શર્માની આગેવાનીમાં હાર્યું હતું.