T20 World Cup 2026: ટી20 વર્લ્ડકપમાં આવતીકાલે 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને ભારત વચ્ચે મુકાબલો થશે. ત્યારે ભારતે સાફ કરી દીધું છે કે તે કોઈ પણ ઢીલાસ મૂકવાના મૂડમાં નથી. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું છે કે, 'ઝડપી બોલરોમાં જસપ્રીત બૂમરાહને નેધરલેન્ડ સામેના મુકાબલામાં કોઈ જ આરામ આપવાની સંભાવના દેખાઈ રહી નથી.'
છેલ્લો નિર્ણય આવતીકાલે લેવાશે
ટીમ ઈન્ડિયા પહેલાથી જ સુપર 8માં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી ચૂક્યું છે ત્યારે એવી ચર્ચાઓ હતી કે જસપ્રીત બૂમરાહને નેધરલેન્ડ સામેની મેચમાં આરામ અપાઈ શકે છે પણ ટીમ મેનેજમેન્ટ ટુર્નામેન્ટમાં લય જાળવી રાખવા માંગે છે. કોટકે પ્રિ મેચ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે હાલ એવું નથી લાગતું કે બૂમરાહને આરામ કરશે. છેલ્લો નિર્ણય પછી લેવાશે.
બૂમરાહના વર્કલોડ પર નજર
ગત રવિવારે પાકિસ્તાન સામેના મુકાબલામાં બૂમરાહે સેમ અયુબ અને કેપ્ટન સલમાન અલીને સસ્તામાં પેવેલિયન ભેગા કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં જ સફળતાઓ અપાવી ટીમ ઈન્ડિયાની મેચ પર પકડ મજબૂત બનાવી દીધી હતી. જે બાદ ભારતનો પાકિસ્તાન સામે 61 રને ભવ્ય વિજય થયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સ્પોર્ટ્સ સાઇન્સ ટીમ સતત બૂમરાહના વર્કલોડ પર નજર રાખે છે અને જરૂર જણાય ત્યારે જસપ્રીતને આરામ પણ આપે છે.
'અભિષેક મુદ્દે ઓવરએનાલિસિસ નહીં કરીએ'
યુવા ઓપનર અભિષેક શર્મા હાલમાં પેટની સમસ્યાના કારણે દિલ્હીની એક હોસ્પિટલમાં ભરતી થયો હતો અને નામીબિયા સામેની મેચ રમી શક્યો ન હતો. જો કે પાકિસ્તાન સામેની હાઈ વૉલ્ટેજ મેચમાં તે પરત આવી ગયો હતો પણ પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. બેટિંગ કોચ સિતાંશુ કોટકે અભિષેકનો બચાવ કરતાં કહ્યું હતું કે ટીમ આ પ્રદર્શનનું વધારે પડતું વિશ્લેષણ કરવા માંગતી નથી. તે હાલ સંપૂર્ણ રીતે ઠીક છે, અમે ઓવરએનાલિસિસ નહીં કરીએ. તે પોતાના પ્લાનને લઈને ક્લિયર છે.
'કિશાનનો આત્મવિશ્વાસ બાળપણથી તેની તાકાત'
બેટિંગ કોચ કોટકે આ સાથે વિકેટ કીપર અને બેટર ઈશાન કિશાન પણ ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે કિશાનનો આત્મવિશ્વાસ બાળપણથી તેની તાકાત રહ્યો છે અને તે જ માનસિકતાથી તે ટી20 ક્રિકેટમાં રમી રહ્યો છે જે તેને અલગ ઓળખ આપે છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ઝિમ્બાબ્વેએ સુપર-8માં એન્ટ્રી મારી, ઓસ્ટ્રેલિયા બહાર
મહત્વનું છે કે ટીમ ઈન્ડિયાનો હવેનો મુકાબલો 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે અમદાવાદમાં છે. કોટકે સાફ કહ્યું કે આ ટુર્નામેન્ટમાં મોટા ઉલેટફેર જોવા મળી રહ્યા છે. એટલા માટે કોઈ પણ મેચ આસાન માની ન શકીએ, આ વર્લ્ડ કપમાં આપણે જોયું છે કે કોઈ પણ ટીમ કોઈને પણ હરાવી શકે છે. એટલે દરેક મેચ મહત્વપૂર્ણ છે.


