IND vs ENG: રુટ અને સ્ટોક્સની સદીની મદદથી ઇંગ્લેન્ડે 669 રન ખડક્યા, ભારતનો ફિયાસ્કો થતાં પરાજયનું સંકટ

તસવીર : IANS
INDIA VS ENGLAND: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા બેકફૂટ પર આવી ગઈ છે. હાલના સંજોગોમાં ટીમને એક મજબૂત ભાગીદારીની જરૂર છે નહીં તો ટીમ પર એક ઇનિંગથી પરાજયનું સંકટ આવી શકે છે.
માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટૉકસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઇનિંગમાં જયસ્વાલ, સાઈ સુદર્શન અને પંતની અર્ધી સદીની મદદથી ભારતે 358 રન બનાવ્યા હતા. બાદમાં બેટિંગ કરવા આવેલી ઇંગ્લિશ ટીમે 669 રન ખડકી દીધા હતા. જેમાં કેપ્ટન બેન સ્ટોક્સ અને જો રૂટે સદી ફટકારી હતી.
મેચના ચોથા દિવસે ભારતીય ટીમ ફરી બેટિંગ કરવા ઉતરી હતી જેમાં ટીમનો શરૂઆતમાં જ ફિયાસ્કો થયો હતો. ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનને શૂન્ય પર પેવેલિયન ભેગા કરી દીધા હતા. લાંચ બ્રેક અગાઉ ભારત 310 રને ઈંગ્લેન્ડથી પાછળ હતું અને ટીમ ઈન્ડિયાએ બીજી ઇનિંગમાં 3 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 1 જ રન બનાવ્યો હતો.
જો રૂટે પોતાની 38મી ટેસ્ટ સદી ફટકારી હતી. કેપ્ટન બેન સ્ટોક્સે પણ ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી અને સીરિઝમાં પોતાની પહેલી સદી ફટકારી હતી. જો રૂટ અને બેન સ્ટોક્સે શાનદાર ભાગીદારી કરી. આ ભાગીદારીના આધારે ઇંગ્લેન્ડે ત્રીજા સેશનમાં જ 500 રનનો આંકડો પાર કર્યો. આ સાથે 10 વર્ષ પછી ભારતીય ટીમ સામે વિદેશમાં ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 500 થી વધુ રનનો સ્કોર બન્યો. ટીમ ઓલ આઉટ થઈ ત્યારે ટીમનો સ્કોર 669 રન હતો. અગાઉ જાન્યુઆરી 2015માં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે એક ઈનિંગમાં 500થી વધુ રન બનાવ્યા હતા.
જો રૂટે કયા રેકોર્ડ તોડયા?
1. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન બાદ બીજા ક્રમે. પોન્ટિંગને પાછળ છોડ્યો
2. ટેસ્ટ ક્રિકેટમાં 38મી સદી ફટકારી સંગાકારાની બરાબરી કરી. સચિન, કાલિસ અને પોન્ટિંગ બાદ ચોથા ક્રમે
3. ભારત સામે સૌથી વધુ 12 ટેસ્ટ સદી ફટકારનારો બેટર બન્યો
4. ઈંગ્લેન્ડમાં ભારત સામે 9મી સદી. ઘરઆંગણે કોઈ એક જ દેશ સામે સૌથી વધુ સદીનો બ્રેડમેનનો (8) રેકોર્ડ તોડ્યો.
5. 2021 બાદ માત્ર 4 વર્ષના ગાળામાં 21 સદી ફટકારી.
ભારતે અહીંથી એક મજબૂત પાર્ટનરશિપની જરૂર પડશે જે આજનો અને કાલનો એમ બે દિવસ પિચ પર ટકી શકે. ઇનિંગથી પરાજય ટાળવા માટે ટીમને 310 રનની જરૂર છે. આ સંજોગોમાં વિજય અંગે વિચારવું પણ મુશ્કેલ છે પરંતુ બેટર્સની ધીરજ અથવા વરસાદ મેચને ડ્રો તરફ લઈ જાય એવી અપેક્ષા ભારતીય ક્રિકેટ ફેન્સે રાખવી પડશે.