VIDEO : લોર્ડ્સ ટેસ્ટમાં થયેલા ઝઘડા બાદ ઈંગ્લેન્ડની ટીમના કોચે ગિલ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- તેણે પોતે પણ મસાજ કરાવ્યું
Ind Vs Eng Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટર જેક ક્રાઉલીની હરકતના કારણે ભારતીય સુકાની શુભમન ગિલ સહિત ભારતીય ટીમ નારાજ થઈ છે. ક્રાઉલીએ ત્રીજા દિવસની રમત પૂર્ણ થાય તે પહેલા સમય બરબાદ કરવાની રણનીતિ અપનાવી હતી, જેના ગિલ-બુમરાહની ક્રાઉલી સાથે બોલાચાલી થઈ છે. આ તમામ ઘટના ક્રમ વચ્ચે ઈંગ્લેન્ડના પેસ બોલિંગ કન્સલ્ટન્ટ ટિમ સાઉદીએ ગિલ પર નિશાન સાધ્યું છે.
ક્રાઉલીએ જાણીજોઈને સમય બરબાદ કર્યો
વાસ્તવમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી 387 રન નોંધાવ્યા હતા, ત્યારબાદ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પણ 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ રમવા માટે મેદાનમાં આવી હતી. મેચના સમય મુજબ ભારતીય ટીમ છેલ્લી ઘડીએ બે ઓવર નાખી શકી હોત, પરંતુ ક્રાઉલીની હરકતના કારણે એક જ ઓવર નાખી શકાઈ હતી. જ્યારે ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરી ત્યારે છ મિનિટનો સમય બચ્યો હતો. આવી સ્થિતિમાં બે ઓવર નાખી શકાતી હતી, પરંતુ ક્રાઉલીએ સમય બરબાદ કર્યો, ઓવરની પાંચમી બોલે તેને ઈજા પણ થઈ, જેના કારણે ભારતીય ટીમ માત્ર એક ઓવર જ નાખી શકી.
છેલ્લા ઓવરમાં શું ઘટના બની?
- બીજી ઈનિંગ શરૂ થઈ, ત્યારે જસપ્રિત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. પ્રથમ બોલમાં એક પણ રન પણ આવી શક્યો નથી.
- બીજા બોલમાં ક્રાઉલીએ શોર્ટ ફટકારી બે રન લીધા હતા.
- ત્રીજા બોલથી ક્રાઉલીએ સમય બરબાદ કરવાની હરકત શરૂ કરી હતી. આ દરમિયાન બુમરાહે બોલિંગ નાખતા ક્રાઉલી પીચ પરથી હટી ગયો હતો, જેના કારણે બુમરાહ અને ગિલ નારાજ થયા હતા. બુમરાહે એમ્પાયરને પણ ટકોર કરી હતી.
- ચોથા બોલમાં એક પણ રન આવ્યો ન હતો.
- પાંચમાં બોલમાં ક્રાઉલીને ઈજા થઈ હતી, જેના કારણે મેદાનમાં વધુ વિવાદ ઉભો થયો હતો. આ દરમિયાન બુમરાહ, રાહુલ સહિત તમામ ખેલાડીએ તાલીઓ વગાડી તેના પર કટાક્ષ કર્યો હતો, તો ગિલે પણ ક્રાઉલી પાસે દોડી આવ્યો અને થર્ડ એમ્પાયર સામે ઈશારો કરી ત્રીજા દિવસની રમત પૂર્ણ થવાનો ઈશારો કરી કટાક્ષ કર્યો હતો. એટલું જ નહીં ગિલ અને ક્રાઉલી વચ્ચે રકઝક પણ થઈ હતી, જેમાં એમ્પાયરે વચ્ચે પડવાની નોબત આવી હતી.
- છેલ્લા બોલમાં એક પણ રન આવ્યો ન હતો અને રમતના અંતે ઈંગ્લેન્ડની ટીમે વિના વિકેટે બે રન નોંધાવ્યા હતા.
ટિમ સાઉદીએ ગિલ પર નિશાન સાધ્યું
ત્રીજા દિવસની રમતના અંતે થયેલી ઘટના બાદ ઈંગ્લેન્ડના પેસ બોલિંગ કન્સલ્ટન્ટ ટિમ સાઉદીનું નિવેદન સામે આવ્યું છે. તેણે ગિલ પર નિશાન સાધતા કહ્યું કે, ‘ત્રીજા દિવસની રમતના અંતે બંને ટીમો વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યારે બીજા દિવસની રમતના અંતે ગિલ મસાજ કરાવી રહ્યો હતો, ત્યારે કોઈએ કંઈ ન કહ્યું. રમતમાં આ બધુ ચાલતું રહે છે.’ સાઉદીએ મજાકમાં કહ્યું કે, ‘હા, ક્રાઉલીનો હાથ રાત્રે જોવામાં આવશે. તેઓ રમત માટે ફિટ રહે તેવી આશા છે.’
કે.એલ.રાહુલે શું કહ્યું?
ભારતના ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલે ક્રાઉલીનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે, ‘હું પોતે એક ઓપનર છું અને હું સમજી શકું છું કે, મેદાનમાં ક્રાઉલી શું કરી રહ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંતે છેલ્લી પાંચ મિનિટમાં શું થયું, તે બધાને ખબર છે. જોકે તેને એક ઓપનર જ સારી રીતે સમજી શકે છે. ગિલનો ગુસ્સો પણ વ્યાજબી હતો. અમે ઈચ્છતા હતા કે, બે ઓવર નાખવામાં આવે. જોકે આવા સમયમાં બેટર માટે બે ઓવર રમવી મુશ્કેલ હોય છે. અમે તે તકની લાભ ઉઠાવવા માંગતા હતા.’