લોર્ડ્સ ટેસ્ટમાં હાઇ વોલ્ટેજ ડ્રામા... ઈંગ્લિશ બેટરના વલણ પર ભડક્યો શુભમન ગિલ, થઈ બોલાચાલી
Image: IANS |
Ind Vs Eng Test Match: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે (12 જુલાઈ)ના અંતે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મેચ પૂરી થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ અને ઈંગ્લિશ ઓપનર જેક ક્રોલી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેક ક્રોલી બેટિંગ દરમિયાન સમય વેડફી રહ્યો હતો. જેથી ઈંગ્લેન્ડે ત્રીજા દિવસે એક ઓવરથી વધુ ઓવર રમવી ન પડે, જેના લીધે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
ટીમ ઈન્ડિયા બે ઓવર રમવા માગતી હતી. પરંતુ જેક ક્રોલી માત્ર એક ઓવર જ રમવા માગતો હતો. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની પ્રથમ ઓવર જસપ્રીત બુમરાહે બોલિંગ કરી હતી. જે ત્રીજા દિવસની મેચની અંતિમ ઓવર સાબિત થઈ હતી. આ ઓવરમાં જેક ક્રોલી બે વખત સ્ટમ્પની સામેથી દૂર થઈ ગયો હતો. જેથી ધીમે ધીમે રમી શકાય. ટીમ ઈન્ડિયાના ખેલાડી તેના આ વલણથી નારાજ થયા હતાં. સ્લિપ રિઝન પર ઉપસ્થિત કેપ્ટન શુભમન ગિલ ગુસ્સે ભરાયો હતો. અને તેણે ક્રોલીને સંભળાવ્યું હતું.
ક્રોલીના ગ્લવ્સને બોલ વાગતાં વિવાદ વધ્યો
ક્રોલી પહેલી ઓવરના દરેક બોલ રમવામાં વિલંબ કરી રહ્યો હતો. જેમાં પાંચમો બોલ ક્રોલી ના ગ્લવ્સ પર જઈને અથડાયો, જેથી ક્રોલી દુઃખાવો થઈ રહ્યો હોવાનું કહી ફિઝિયોને બોલાવે છે. જેથી વધુ વિલંબ થાય છે. આ ઘટના બાદ શુભમન ગિલનો ગુસ્સો વધી જાય છે, અને તેણે પવેલિયન તરફ ઈશારો કરતાં હાથ વડે X ની સાઈન બનાવી. ગિલનો આ ઈશારો જોતાં જ ક્રોલી પણ ગુસ્સે ભરાયો હતો. ઈંગ્લેન્ડનો બીજો બેટર બેન ડકેટે ગિલને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલ પણ આ સમયે અત્યંત ગુસ્સામાં જોવા મળ્યા હતાં. તેમણે ક્રોલી પર તીખા પ્રહારો પણ કર્યા હતાં.
તમને જણાવી દઈએ કે, X નો ઈશારો એમ્પાયર ત્યારે કરે છે, જ્યારે કોઈ ખેલાડીના સ્થાને અન્ય ઈમ્પેક્ટ ખેલાડીને રમવા મોકલવાની જરૂર પડે છે. આ સંકેત આઈપીએલ મેચમાં આપવામાં આવે છે. ગિલનો આ ઈશારો ક્રોલીને સંકેત આપી રહ્યો હતો કે, ક્રોલી હવે થાકી ગયો છે, હવે તે પીચ પરથી જવા માગે છે.
ક્રોલીના સપોર્ટમાં ઉતર્યા ગાવસ્કર
આ સમગ્ર વિવાદમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને મહાન બેટર સુનીલ ગાવસ્કર જેક ક્રોલીના સપોર્ટમાં ઉતર્યા છે. ગાવસ્કરે કહ્યું કે, ઓપનર્સ પાસે નાઈટ વોચમેનની સુવિધા હોતી નથી. તેથી તેઓ સાંજે બેટિંગ કરવાનું ટાળતા હોય છે. જો કોઈ બેટર મોડી સાંજ સુધી બેટિંગ કરવા નથી માગતો તો તેમાં તેનો કોઈ દોષ નથી. જસપ્રીત બુમરાહની બોલિંગ પર ઈજા થતાં ક્રોલીની પાસે ફિઝિયો બોલાવવાનો પૂર્ણ અધિકાર હતો. તેમાં કંઈ ખોટું નથી.
લોર્ડ્સ ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડે પોતાની બીજી ઈનિંગમાં એક ઓવરમાં માત્ર બે રન બનાવ્યા હતાં. ક્રોલી અને ડકેટ પીચ પર બેટિંગ કરી રહ્યા હતાં. પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 387 રન બનાવી ઈંગ્લેન્ડની બરાબરી કરી હતી.