Get The App

IND vs ENG: લોર્ડ્સમાં બીજા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 145/3, કેએલ રાહુલની ફિફ્ટી

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: લોર્ડ્સમાં બીજા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 145/3, કેએલ રાહુલની ફિફ્ટી 1 - image
Image Source: IANS

India vs England: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંદુલકર ટ્રોફી 2025નો ત્રીજો મુકાબલો લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહ્યો છે. આ મેચમાં બીજા દિવસ (11 જુલાઈ)ની રમત પૂર્ણ થઈ ચૂકી છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં 387 રન પર ઓલઆઉટ થઈ ગઈ. જેના જવાબમાં ભારતે બીજા દિવસે સ્ટમ્પ સુધી પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ પર 145 રન બનાવ્યા. ઋષભ પંત 19 અને કેએલ રાહુલ 53 રન પર અણનમ છે. રાહુલે 113 બોલનો સામનો કર્યો છે અને પાંચ ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે ઋષભ પંતે 33 બોલની પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા છે.

બંને દેશો વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ હાલ 1-1ની બરાબરી પર છે. સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સમાં રમાયો હતો, જેમાં ઇંગ્લેન્ડની ટીમને 5 વિકેટથી જીત મળી હતી. ત્યારબાદ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતે વાપસી કરતા યજમાન ટીમને 336 રનથી હરાવી હતી. હવે લોર્ડ્સ ટેસ્ટ મેચ જીતવાના ઇરાદાથી બંને ટીમો મેદાનમાં ઉતરી છે.

ભારતીય ટીમની પહેલી ઇનિંગમાં શરૂઆત કંઈ ખાસ ન રહી. યશસ્વી જાયસવાલ (13 રન) બીજી જ ઓવરમાં જોફ્રા આર્ચરનો શિકાર બની ગયો, જે 4 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટ રમવા ઉતર્યા હતા. અહીંથી કેએલ રાહુલ અને કરૂણ નાયર વચ્ચે બીજી વિકેટ માટે 61 રનોની પાર્ટનરશિપ થઈ. કરૂણ નાયરને બેન સ્ટોક્સે જો રૂટના હાથે કેચ આઉટ કરાવ્યો. કરૂણ નાયરે 4 ચોગ્ગાની મદદથી 62 બોલ પર 40 રન બનાવ્યા. શુભમન ગિલ કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા અને 16 રન બનાવીને ક્રિસ વોક્સનો શિકાર બન્યા. અહીંથી કેએલ રાહુલ અને ઋષભ પંતે બીજા દિવસે ભારતને કોઈ વધુ નુકસાન ન થવા દીધું.

Tags :