IND vs AUS: ચોથી T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રને આસાનીથી હરાવ્યું, સીરિઝમાં 2-1થી આગળ
![]() |
IND vs AUS 4th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 સીરિઝની ચોથી મેચ કૈરારા (ગોલ્ડ કોસ્ટ) ના હેરિટેજ બેન્ક સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને સીરિઝમાં 2-1થી લીડ બનાવી લીધી છે. મેચમાં ટોસ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિચેલ માર્શે જીત્યો હતો અને તેમણે ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ સોંપી હતી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 167 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રને જ ઓલઆઉટ થઈ ગયું હતું. જણાવી દઈએ કે, ભારત તરફથી સૌથી વધુ રન ગિલે (46 રન) બનાવ્યા હતા. હવે છેલ્લી મેચ 8 નવેમ્બર 2025 રમાશે. જો ભારત તે મેચ જીતશે તો સીરિઝ પર કબજો કરી લેશે.
ભારતીય ટીમની પ્રથમ બેટિંગની હાઈલાઈટ્સ...
આ મેચમાં ભારત તરફથી અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. ભારતની શરૂઆત સારી રહી હતી, પરંતુ ટીમને પહેલી જ ઓવરમાં નસીબનો સાથ મળ્યો જ્યારે બેન ડ્વાર્શુઈસના બોલ પર ઝેવિયર બાર્ટલેટે અભિષેક શર્માનો કેચ છોડી દીધો હતો. આ જીવનદાનનો ફાયદો ઉઠાવીને અભિષેકે 26 રનની ઇનિંગ રમી, પરંતુ 7મી ઓવરમાં એડમ ઝમ્પાએ તેની વિકેટ ઝડપી લીધી. 10 ઓવરના અંતે ભારતનો સ્કોર એક વિકેટે 75 રન હતો, જે એક મજબૂત શરૂઆત દર્શાવતો હતો.
ભારતને 12મી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો જ્યારે શિવમ દુબે 22 રન બનાવીને આઉટ થયો. તે સમયે ભારતનો સ્કોર 88 રન હતો. દુબેએ પોતાની ઇનિંગમાં એક ફોર અને એક સિક્સર ફટકારી. ભારતને 15મી ઓવરમાં ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે શુભમન ગિલ 46 રન બનાવીને આઉટ થયો. ભારતને 16મી ઓવરમાં ચોથો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન સૂર્યા 20 રન બનાવીને આઉટ થયો. 17મી ઓવરમાં તિલક વર્મા 5 રન બનાવીને આઉટ થયો. જીતેશ પણ 3 રન બનાવીને આઉટ થયો. 19મી ઓવરમાં ભારતને સાતમો ઝટકો લાગ્યો જ્યારે સુંદર 12 રન બનાવીને આઉટ થયો. અર્શદીપે પણ છેલ્લી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી. ભારતે ઓસ્ટ્રેલિયા માટે 168 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ઓસ્ટ્રેલિયાની ઈનિંગ મેથ્યૂ શોર્ટ અને મિચેલ માર્શથી શરૂ થયો. બંનેએ શાનદાર શરૂઆત કરી. જોકે, 5મી ઓવરમાં અક્ષર પટેલે શોર્ટને આઉટ કર્યો. શોર્ટ 25 રન બનાવીને આઉટ થયો. 9મી ઓવરમાં અક્ષરે ફરી ઓસ્ટ્રેલિયાને ઝટકો આપ્યો અને ઇંગ્લિશને આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્યારે 67 હતો. 10મી ઓવરમાં શિવમ દુબેએ કેપ્ટન માર્શને આઉટ કર્યો. માર્શ 30 રન બનાવીને આઉટ થયો. 12મી ઓવરમાં શિવમ દુબેએ ટિમ ડેવિડને આઉટ કર્યો. ડેવિડ 14 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ 14મી ઓવરમાં અર્શદીપે ફિલિપને આઉટ કર્યો. જ્યારે ઓસ્ટ્રેલિયા 98 રનમાં પહોંચી ગયું. વરુણે 15મી ઓવરમાં મેક્સવેલને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો. ત્યારબાદ, 17મી ઓવરમાં સુંદરે સ્ટોઇનિસને આઉટ કર્યો. તેણે બીજા જ બોલ પર બાર્ટલેટને પણ આઉટ કર્યો. બુમરાહને 18મી ઓવરમાં ડ્વાર્શુઇસને બોલ્ડ કર્યો. અંતિમ વિકેટ પણ સુંદરે લીધી.
ભારત Vs ઓસ્ટ્રેલિયા T20 સીરિઝ 2025 શેડ્યૂલ
પહેલી T20: 29 ઓક્ટોબર, કૈનબરા (મેચ રદ)
બીજી T20: 31 ઓક્ટોબર, મેલબર્ન (ઓસ્ટ્રેલિયા 4 વિકેટથી જીત્યું)
ત્રીજી T20: 2 નવેમ્બર, હોબાર્ટ (ભારતીય ટીમ 5 વિકેટથી જીતી)
ચોથી T20: 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ (આજે)
પાંચમી T20: 8 નવેમ્બર, બ્રિસ્બેન
ગોલ્ડ કોસ્ટ ટી20 માટે ભારતની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
ગોલ્ડ કોસ્ટ ટી20 માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: મિશેલ માર્શ (કેપ્ટન), મેથ્યૂ શોર્ટ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્શુઇસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ અને એડમ ઝામ્પા.


