IND vs AUS: હર્ષિત સાથે કુલદીપની એન્ટ્રી, વરુણ અને રેડ્ડી આઉટ, ટી20 ટીમમાં આવી હોઈ શકે ભારતની પ્લેઈંગ-11

Ind VS Aus 1st T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ 29મી ઓક્ટોબરથી કેનબેરાના મનુકા ઓવલ ખાતે શરૂ થવા જઈ રહી છે. આગામી વર્ષે યોજાનારા T20 વર્લ્ડ કપની તૈયારી માટે આ સીરિઝને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે પહેલી મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ-11 શું હશે તેના પર ક્રિકેટ નિષ્ણાતોની નજર છે.
હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીની ઈજાને કારણે ટીમને બેકઅપ ઓલરાઉન્ડર વિના રમવું પડી શકે છે. કેનબેરાની મનુકા ઓવલ પિચ બેટર-ફ્રેન્ડલી માનવામાં આવે છે, જે સતત ઉછાળો અને ગતિ પ્રદાન કરે છે. આના કારણે ભારતીય ટીમને સ્પિનરોની સરખામણીએ ફાસ્ટ બોલરો પર વધુ આધાર રાખવો પડશે.
ફાસ્ટ બોલિંગ પર મદાર
જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહનું સ્થાન પ્લેઇંગ-11માં નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. અર્શદીપ સિંહે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા 2022 T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લીધી હતી, અને પિચની સ્થિતિ ઝડપી બોલરોને ફાયદો કરાવશે.
હર્ષિત રાણાને મળી શકે તક
પિચને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ એક વધારાના ઝડપી બોલરને શામેલ કરવા માટે વિચારી શકે છે. આ માટે એકમાત્ર મજબૂત વિકલ્પ હર્ષિત રાણા છે, જેણે તાજેતરની ODI સીરિઝમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને બેટિંગમાં પણ યોગદાન આપ્યું હતું. આ કારણે હર્ષિતનું મહત્ત્વ વધ્યું છે.
સ્પિનમાં કુલદીપની સંભાવના, વરુણ અને રેડ્ડી આઉટ
એશિયા કપમાં ભારત ત્રણ સ્પિનરો સાથે રમ્યું હતું, પરંતુ હવે વરુણ ચક્રવર્તી અને નીતિશ કુમાર રેડ્ડીની ઉપલબ્ધતા શંકાસ્પદ છે. અક્ષર પટેલનું સ્થાન લગભગ નિશ્ચિત છે કારણ કે તે એક ઓલરાઉન્ડર છે અને મધ્યમ ક્રમમાં રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. બીજા સ્પિનરના સ્થાન માટે કુલદીપ યાદવ અને વરુણ વચ્ચે ટક્કર છે. જોકે, કુલદીપ યાદવ 2018થી ઓસ્ટ્રેલિયામાં T20 રમ્યો ન હોવા છતાં, ત્યાં તેનો રેકોર્ડ શાનદાર છે, જે તેને વરુણ પર આગળ રાખે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ-11
અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા,,સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
ટી20 સીરિઝનું શેડ્યુલ
પહેલી ટી20: 29મી ઓક્ટોબર, કેનબેરા
બીજી ટી20: 31મી ઓક્ટોબર, મેલબોર્ન
ત્રીજી ટી20: બીજી નવેમ્બર, હોબાર્ટ
ચોથી ટી20: છઠ્ઠી નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
પાંચમી ટી20: આઠમી નવેમ્બર, બ્રિસ્બેન

