આજે ભારત વિ ઓસ્ટ્રેલિયા : મહિલા ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનો જંગ
- ભારતીય મહિલા ટીમને સૌપ્રથમ વર્લ્ડ ટાઈટલની તલાશ : ઓસ્ટ્રેલિયાને પાંચમી વખત ચેમ્પિયન બનવાની તક
- મેલબોર્નમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 12:30 વાગ્યાથી મેચ શરૂ થશે
મેલબોર્ન, તા.૭
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આવતીકાલે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, ત્યારે તેમની નજર ભારતને મહિલા ક્રિકેટમાં સૌપ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવા તરફ રહેશે. શેફાલી વર્મા તેમજ પૂનમ યાદવ સહિતની ખેલાડીઓના શાનદાર દેખાવને કારણે ભારતીય મહિલા ટીમ તેના ક્રિકેટ ઈતિહાસમાં માત્ર બીજી વખત અને ટી-૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત ફાઈનલમાં રમશે. ભારતને પ્રથમ વર્લ્ડ ટાઈટલની તલાશ છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચમી વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન સેવી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે વર્લ્ડ કપની લીગ મેચ હારી ચૂકી છે, જેના કારણે તેઓ તનાવ હેઠળ ઉતરશે.
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવતીકાલે મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ શરૃ થશે ત્યારે ભારતીય સમય પ્રમાણે બપોરના ૧૨ઃ૩૦ વાગ્યા હશે. નોંધપાત્ર છે કે, ભારત ૨૦૧૭ના વન ડે મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ, પણ ઈંગ્લેન્ડ સામે ૯ રનથી હારી ગયું હતુ.
ભારતે તેની ચારેય લીગ મેચો જીતીને ગૂ્રપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતુ. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજા ગૂ્રપમાં બીજા સ્થાને રહી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિ ફાઈનલ વરસાદે ધોઈ નાંખતાં ભારત ગૂ્રપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ કરતાં આગળ હોવાથી તેને ફાઈનલમાં પ્રવેશ મળ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે સાઉથ આફ્રિકાને ડકવર્થની મદદથી હરાવીને ટાઈટલ જંગ માટે ક્વોલિફાય કર્યું હતુ.
શેફાલી-જેમીમા જેવી યુવા પ્રતિભા પર બેટીંગનો મદાર
ભારતીય મહિલા ટીમની બેટીંગ લાઈનઅપનો મદાર ૧૬ વર્ષીય શેફાલી વર્માની સાથે સાથે જેમીમા રોડ્રીગ્સ અને દીપ્તી શર્મા જેવી યુવા બેટ્સવુમન પર રહેશે. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર જેવી અનુભવી બેટ્સવુમન ટીમમાં છે. જોકે હાલના ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત તરફથી સર્વાધિક ૧૬૧ રન ૪૦.૨૫ની સરેરાશથી નોંધાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ ૧૬૧.૦૦ની રહી છે. રોડ્રીગ્સે ચાર મેચમાં ૮૫ અને દીપ્તીએ ચાર મેચમાં ૪૩ રન કર્યા હતા.
પૂનમ અને શિખાને બોલિંગ ઓસ્ટ્રેલિયાની કસોટી કરશે
ભારતીય બોલિંગ આક્રમણ લેગસ્પિનર પૂનમ યાદવ અને ફાસ્ટ બોલર શિખા પાંડે પર વિશેષ આધાર રાખશે. પૂનમ યાદવે પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર ૧૯ રનમાં ચાર વિકેટ ઝડપતાં ટીમની જીતમાં પાયાની ભૂમિકા ભજવી હતી. ટી-૨૦ મહિલા વર્લ્ડ કપ ૨૦૨૦માં સર્વાધિક ૯ વિકેટ ઝડપીને પૂનમ ઓસ્ટ્રેલિયાની મેગન શુટની સાથે સંયુક્તપણે ટોચ પર છે. જ્યારે શિખા પાંડે ચાર મેચમાં સાત વિકેટ ઝડપી ચૂકી છે. આ ઉપરાંત રાધા યાદવ તેમજ રાજેશ્વરી ગાયકવાડ પણ પોતાની પ્રતિભાને સહારે ટીમને ઐતિહાસિક સફળતા અપાવવાનો પ્રયાસ કરશે.
ઓસી. ટીમને મૂની-હિલી અને શુટના વિજયી દેખાવની આશા
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને પાંચમી વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાની આશા છે. મેગ લેનિંગની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ભારતની યુવા પ્રતિભાઓથી પરેશાન છે. ખાસ કરીને ભારતે જે પ્રકારે શાનદાર ફોર્મ દર્શાવતા ઓસ્ટ્રેલિયાને લીગ મેચમાં હરાવ્યું હતુ, તેનાથી તેઓ ચિંતિત છે. એલિસ પેરી જેવી મેચ વિનિંગ ઓલરાઉન્ડર ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાનો મદાર ટોચની ફાસ્ટર મેગન શુટ તેમજ બેટ્સવુમન બેથ મૂની અને એલિસા હિલી પર રહેશે. ઓસ્ટ્રેલિયન બોલર જોનાસેન અને કેરી પણ કમાલ કરી શકે છે. જોકે ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ વખતે સાતત્યભર્યા દેખાવનો અભાવ રહ્યો છે. જે તેમના માટે ચિંતાનું સૌથી મોટું કારણ છે.
ભારત : હરમનપ્રીત કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, તાન્યા ભાટિયા (વિ.કી.), સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા,અરૃંધતી રેડ્ડી, વેદા ક્રિશ્નમૂર્તિ, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, પૂનમ યાદવ, રિચા ઘોષ, હર્લિન દેઓલ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર.
ઓસ્ટ્રેલિયા : મેગ લેનિંગ (કેપ્ટન), રાચેલ હેન્સ, એર્ની બર્ન્સ, નિકોલા કેરિ, એશ્લી ગાર્ડનર, એલિસા હિલી (વિ.કી.), જેસ જોનાસેન, ડેલિસા કિમિન્સ, સોફિ મોલિનેક્સ, બેથ મૂની, મેગન શુટ, મોલી સ્ટ્રાનો, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહામ.