Get The App

આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં રોહિત, પંત અને અશ્વિન સામેલ : કોહલીને સ્થાન ન મળ્યું

- ન્યુઝીલેન્ડને ટેસ્ટ ચેમ્પિયન બનાવનાર વિલિયમસન કેપ્ટન

- ભારત ઉપરાંત પાકિસ્તાનના ૩, ન્યુઝીલેન્ડના બે અને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ તેમજ શ્રીલંકાના ૧-૧ ખેલાડીને સ્થાન

Updated: Jan 20th, 2022

GS TEAM


Google News
Google News
આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં રોહિત, પંત અને અશ્વિન સામેલ : કોહલીને સ્થાન ન મળ્યું 1 - image

દુબઈ, તા.૨૦

આઇસીસીએ વર્ષ ૨૦૨૧ની ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી દીધી છે. જેમાં ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જોકે તાજેતરમાં કેપ્ટન્સી છોડી ચૂકેલા કોહલીને તક મળી નથી. આઇસીસીની ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં ભારતના ઓપનર રોહિત શર્માની સાથે વિકેટકિપર રિષભ પંત અને સ્પિનર આર. અશ્વિનને સામેલ કરવામાં આવ્યા છે.

સૌપ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યુઝીલેન્ડને ચેમ્પિયન બનાવનારા કેન વિલિયમસનને આઇસીસીની ટેસ્ટ ટીમ ઓફ ધ યર ૨૦૨૧ના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટીમમાં ભારત ઉપરાંત પાકિસ્તાનના પણ ૩ ખેલાડીઓ છે. જ્યારે ન્યુઝીલેન્ડના બે અને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ તેમજ શ્રીલંકાના ૧-૧ ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે.

ટેસ્ટ ટીમના ઓપનર તરીકે રોહિત શર્માની સાથે શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૃણારત્નેને પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે મીડલ ઓર્ડરમાં ઓસ્ટ્રેલિયાના લાબુશેન અને ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૃટને તક મળી છે. રૃટે વર્ષ ૨૦૨૧માં સૌથી વધુ ૧,૭૦૮ રન નોંધાવ્યા હતા.

પાકિસ્તાનના બેટ્સમેન ફવાદ આલમને છઠ્ઠા ક્રમના બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે પાકિસ્તાનના બે ફાસ્ટરો હસન અલી અને શાહિન આફ્રિદીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કાયલ જેમીસનને પણ ટીમમાં તક મળી છે. જેમીસને પાંચ ટેસ્ટમાં ૨૭ વિકેટ ઝડપીને શાનદાર દેખાવ કર્યો હતો.

આઇસીસી મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર ૨૦૨૧ : કરૃણારત્ને, રોહિત શર્મા, લાબુશૅન, રૃટ, વિલિયમસન (કેપ્ટન), આલમ, પંત (વિ.કી.), આર. અશ્વિન, જેમીસન, હસન અલી, આફ્રિદી.

Tags :