ICC ટેસ્ટ રેન્કિંગની જાહેરાત, બેટિંગમાં એકમાત્ર ભારતીય ખેલાડી ટોપ ટેનમાં, અશ્વિન-જાડેજા પ્રથમ સ્થાને યથાવત
બેટિંગ રેન્કિંગમાં કેન વિલિયમસન 883 રેટિંગ પોઈન્ટ પ્રથમ સ્થાને
જસપ્રિત બુમરાહ ICC ટેસ્ટ બોલર રેન્કિંગમાં 8મા સ્થાને
ICCએ ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે જેમાં બેટિંગમાં એકમાત્ર ભારતીય ખેલાડી ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યો છે જ્યારે અશ્વિન-જાડેજાએ પોતાનું સ્થાન યથાવત રાખ્યુ છે. આ સિવાય જસપ્રિત બુમરાહ પણ બોલરના રેન્કિંગમાં ટોપ ટેનમાં છે.
બેટિંગ રેન્કિંગમાં ઋષભ પંત એકમાત્ર ભારતીય
ICC દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ટોપ-10 ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં કેન વિલિયમસન પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તાજેતરની ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં વિલિયમસનના 883 રેટિંગ પોઈન્ટ છે. બીજી તરફ લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર સ્ટીવ સ્મિથના 882 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં માત્ર એક ભારતીય ખેલાડીનું નામ છે. તે પણ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત છે જે કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદથી મેદાનમાં પરત ફરી શક્યો નથી. તાજેતરની રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ સિવાય માર્નસ લાબુશેન અને ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયામાંથી 3 અને 4 સ્થાન પર છે. અને સાતમા નંબર પર ઓપનિંગ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાનું નામ છે.
વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર : વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો
અશ્વિને નંબર 1નું સ્થાન જાળવી રાખ્યું
ભારતીય ટીમનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન તાજેતરની ICC ટેસ્ટ બોલર રેન્કિંગમાં પોતાનું નંબર-1નું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. અશ્વિન પાસે હાલમાં 860 રેટિંગ છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ 826 રેટિંગ પોઈન્ટ સાથે બોલિંગમાં રેન્કિંગમાં બીજા સ્થાને છે. અશ્વિન ઉપરાંત જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા પણ ટોપ-10 બોલરોમાં ભારત તરફથી 8મા અને 9મા સ્થાને છે.
ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ સ્થાને
ICC દ્વારા જાહેર કરાયેલી ઓલરાઉન્ડર ખેલાડીઓની ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની સ્પિન જોડી પ્રથમ બે સ્થાન પર છે. જેમા જાડેજા 434 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે અને અશ્વિન 352 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ સિવાય જો રૂટ પણ 272 રેટિંગ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં 7મા સ્થાને પહોંચી ગયો છે.