ચેમ્પિયન્સ ટ્રોફી: સેમિફાઇનલ પહેલા સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત, આજની મેચ નહીં રમી શકે
ICC Champions Trophy 2025: આજે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાવવાની છે. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાથી જૂનો હિસાબ બરાબર કરવા માટે તૈયાર છે. જોકે આ મેચ પહેલા ઑસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી મેથ્યુ શોર્ટ ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો છે. એવામાં ઑસ્ટ્રેલિયાના ચાહકો અસમંજસમાં છે કે મેથ્યુની જગ્યાએ ટીમમાં કોને સ્થાન આપવામાં આવશે.
સ્ટાર ખેલાડી મેથ્યુ શોર્ટ ઈજાગ્રસ્ત
ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે મેચ શરૂ થશે. મેથ્યુ શોર્ટની જગ્યાએ ઑસ્ટ્રેલિયાની ટીમમાં કૂપર કોનોલીની એન્ટ્રી થઈ શકે છે, જે ડાબા હાથનો સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર છે. કોનોલી અત્યાર સુધી રિઝર્વ ખેલાડીના રૂપમાં ટીમની સાથે પ્રવાસ કરી રહ્યો હતો. પણ હવે તેને 15 ખેલાડીઓના સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઑસ્ટ્રેલિયાની ટીમમાં કૂપર કોનોલીની એન્ટ્રી થઈ શકે છે
કૂપર કોનોલીએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિના ઈંગ્લેન્ડ વિરુદ્ધ ODI ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી ઑસ્ટ્રેલિયા માટે 1 ટેસ્ટ, 3 વનડે અને 2 T20 મેચ રમ્યો છે, જેમાં ટેસ્ટમાં 4 જ્યારે વનડેમાં 10 રન બનાવ્યા છે.
મેથ્યુ માટે મેચ પહેલા રિકવર કરવું મુશ્કેલ
અફઘાનિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન મેથ્યુ શોર્ટ ઈજાગ્રસ્ત થયો હતો. ઑસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું છે કે, 'મેથ્યુ અત્યાર ફીટ નથી. તે ઠીકથી મૂવમેન્ટ કરી શકતો નથી. મેચ પહેલા રિકવર કરવું મુશ્કેલ છે.'