Get The App

ક્રિકેટના નિયમોમાં ધરખમ ફેરફારના એંધાણ! અમદાવાદની બેઠકમાં આ 4 પ્રસ્તાવ પર કરાશે ચર્ચા

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
ક્રિકેટના નિયમોમાં ધરખમ ફેરફારના એંધાણ! અમદાવાદની બેઠકમાં આ 4 પ્રસ્તાવ પર કરાશે ચર્ચા 1 - image

ICC Board Meeting In Ahmedabad To Approve Big Rule Changes : ક્રિકેટ જગતમાં આગામી દિવસોમાં બહુ મોટા અને ચોંકાવનારા ફેરફારો જોવા મળી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટ રમવાના નિયમોમાં એવા ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે, જેણે રમત જગતમાં ભારે હલચલ મચાવી દીધી છે. સૌથી મોટો અને આશ્ચર્યજનક પ્રસ્તાવ ટેસ્ટ ક્રિકેટને લઈને છે, જ્યાં હવે એક જ મેચ દરમિયાન લાલ અને ગુલાબી બોલ બંનેનો ઉપયોગ જોવા મળી શકે છે. આ સિવાય વનડેમાં કોચની મેદાન પર એન્ટ્રી અને T20ના બ્રેક ટાઇમમાં ઘટાડો કરવા જેવા 4 મોટા નિયમો લાઈનમાં છે.

અમદાવાદમાં યોજાનારી બેઠકમાં નવા નિયમો પર કરાશે ચર્ચા

અહેવાલ મુજબ, આ તમામ પ્રસ્તાવો પર આગામી 30 મે 2026ના રોજ અમદાવાદમાં યોજાનારી આઈસીસી બોર્ડ મીટિંગમાં અંતિમ મંજૂરી મળી શકે છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ પ્રસ્તાવો પર આઈસીસી ચીફ એક્ઝિક્યુટિવ્સ કમિટીની વર્ચ્યુઅલ મીટિંગમાં ચર્ચા થઈ ચૂકી છે, જેમાં ક્રિકેટ કમિટીના ચેરમેન સૌરવ ગાંગુલી પણ સામેલ હતા.

ટેસ્ટ ક્રિકેટમાં મોટો ઉલટફેર: અત્યાર સુધીનો નિયમ એવો છે કે ટેસ્ટ મેચમાં ખરાબ રોશની કે ફ્લડલાઇટ્સમાં પણ માત્ર લાલ બોલથી જ રમત રમાય છે. પરંતુ નવા પ્રસ્તાવ મુજબ, જો રોશની ઓછી હોય તો રમત રોકવાના બદલે બંને ટીમની સહમતિથી લાલની જગ્યાએ ગુલાબી બોલ વાપરી શકાશે. એટલે કે ઇતિહાસમાં પહેલીવાર એક જ મેચમાં બે અલગ-અલગ રંગના બોલ જોવા મળી શકે છે.

વનડે ક્રિકેટમાં કોચની એન્ટ્રી: હાલના નિયમ મુજબ વનડેમાં ડ્રિન્ક્સ બ્રેક વખતે માત્ર સબસ્ટિટ્યુટ ખેલાડી જ મેદાન પર જઈ શકે છે. પરંતુ આઈસીસીના નવા પ્લાન હેઠળ હવે ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન હેડ કોચને સીધા મેદાન પર જવાની અને ખેલાડીઓ સાથે લાઈવ મેચમાં વ્યૂહરચના ઘડવાની સત્તાવાર છૂટ આપવામાં આવશે.

T20 ક્રિકેટ બનશે વધુ ફાસ્ટ: ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી બંને ઇનિંગ્સની વચ્ચે ખેલાડીઓને 20 મિનિટનો મોટો બ્રેક મળતો હતો. આઈસીસી હવે રમતને વધુ ઝડપી અને રોમાંચક બનાવવા માટે આ બ્રેક ટાઇમ 5 મિનિટ ઘટાડીને માત્ર 15 મિનિટ કરવાનો પ્રસ્તાવ લાવી છે.

લાઈવ મેચમાં જ પકડાશે શંકાસ્પદ એક્શન: અગાઉ જો કોઈ બોલરની એક્શન શંકાસ્પદ હોય તો મેચ પૂરી થયા બાદ જ લેબમાં તેની તપાસ થતી હતી. હવે ઓન-ફીલ્ડ અમ્પાયરોને લાઈવ મેચ દરમિયાન જ Hawk-Eye ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે, જેથી ગેરકાયદેસર બોલિંગ એક્શન એટલે કે 'ચકિંગ' વિરુદ્ધ મેદાન પર જ લાઈવ એક્શન લઈ શકાય.