Virat Kohli After winning Vadodara ODI : ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝના પ્રથમ મુકાબલામાં 4 વિકેટે શાનદાર જીત મેળવી છે. 11 જાન્યુઆરી (રવિવાર)ના રોજ વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, ભારતીય ટીમને જીતવા માટે 301 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેને ટીમે 6 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ્સ
વડોદરા વનડેમાં ભારતીય ટીમની જીતમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 91 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દમદાર પ્રદર્શન માટે કોહલીને 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. કોહલીએ વનડેમાં 45મી વખત આ એવોર્ડ જીત્યો છે.
જીત બાદ છલકાયું દર્દ અને આભાર
મેચ પછી, કોહલીએ એક ભાવુક નિવેદન આપતા કહ્યું કે તેણે જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેના માટે તે ભગવાનનો આભારી છે કારણ કે ભગવાને તેને અપેક્ષા કરતાં ઘણું વધારે આપ્યું છે. કોહલીએ કહ્યું, "ઈમાનદારીથી કહું તો, મને ખબર નથી કે મેં કેટલા 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યા છે. હું બધી ટ્રોફી ગુરુગ્રામમાં મારી માતાને મોકલી દઉં છું. તેમને સાચવીને રાખવું ખૂબ ગમે છે. જો હું મારી આખી સફરને પાછળ વળીને જોઉં, તો તે મારા માટે કોઈ સપનાથી ઓછું નથી."
સદી ચૂકવા પર શું કહ્યું?
જ્યારે તેને સદી ચૂકવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે કોહલીએ કહ્યું, "જો હું પૂરી ઈમાનદારીથી કહું, તો હું કોઈ પણ માઈલસ્ટોન વિશે વિચારતો નથી. પીછો કરતી વખતે જ્યારે લક્ષ્ય સામે હોય, ત્યારે તમારે પરિસ્થિતિ મુજબ રમવું પડે છે. મારા મગજમાં માત્ર એક જ વાત હતી કે ટીમને સરળ જીતની સ્થિતિમાં લાવવી છે."
પોતાની બેટિંગ ફિલોસોફી જણાવી
પોતાની બેટિંગ શૈલી વિશે વાત કરતાં કોહલીએ કહ્યું, "હું નંબર ત્રણ પર બેટિંગ કરું છું. જો મુશ્કેલ પરિસ્થિતિ હોય, તો હું રાહ જોવાને બદલે કાઉન્ટર-એટેક કરવામાં માનું છું. જ્યારે હું રોહિતના આઉટ થયા પછી અંદર આવ્યો, ત્યારે મને લાગ્યું કે જો હું શરૂઆતની 20 બોલમાં થોડું જોર લગાવું, તો અમે વિપક્ષી ટીમ પર દબાણ બનાવી શકીએ છીએ. એ જ તફાવત ઉભો થયો."
અંતમાં, તેણે ચાહકોના પ્રેમ બદલ આભાર માનતા કહ્યું, "હું અત્યંત આભારી છું. આ ખરેખર એક આશીર્વાદ છે. ફક્ત એ જ રમત રમીને, જેને હું બાળપણથી પ્રેમ કરું છું, લોકોના ચહેરા પર સ્મિત લાવી શકું છું, આનાથી વધુ હું શું માંગી શકું. હું મારું સપનું જીવી રહ્યો છું અને લોકોને ખુશ જોઈને મને ખુશી થાય છે."


