IPL : અભિષેક શર્માની SRHમાં કેવી રીતે થઈ એન્ટ્રી? પિતાએ કર્યો ખુલાસો

Abhishek Sharma: ભારતના T20Iના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ 2025 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ડાબોડી બેટ્સમેનનું ટેલેન્ટ ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચે ઘણા સમય પહેલા જ ઓળખી લીધુ હતું. તેના કારણે જ અભિષેક શર્માને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એક એવી ઓળખ મળી, જેના કારણે આજે આ બેટ્સમેને વિશ્વભરના બોલરોમાં ડર ઊભો કર્યો છે. અભિષેક શર્માની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)માં એન્ટ્રીની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.
અભિષેકના પિતાએ કર્યો ખુલાસો
અભિષેક શર્માના પિતા રાજકુમાર શર્માએ એક પોડકાસ્ટમાં અભિષેકની SRHમાં એન્ટ્રી અંગે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 2018માં, 17 વર્ષની ઉંમરે અભિષેક શર્માને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પોતાની પહેલી જ મેચમાં અભિષેકે 19 બોલમાં 46 રન બનાવ્યા હતા. આમ છતાં તેને માત્ર ત્રણ મેચ રમવાની તક મળી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે આગામી સિઝનમાં હૈદરાબાદ માટે રમી રહેલા શિખર ધવનને તેમની ટીમમાં જોડાવા માટે જોર લગાવ્યું.
રાજકુમાર શર્માએ જણાવ્યું કે, શિખર ધવનના બદલે SRHના મેન્ટોર વીવીએસ લક્ષ્મણે અભિષેક શર્માને માગ્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અભિષેક શર્મા જ કેમ? ત્યારે લક્ષ્મણે જવાબ આપ્યો કે, મને નથી ખબર પરંતુ રાહુલ દ્રવિડે મને કહ્યું હતું કે આ છોકરો ખૂબ જ ટેલેન્ટેડ છે અને ભવિષ્યમાં તે શાનદાર ઈનિંગ્સ રમશે. અભિષેક શર્મા 2019થી હજુ સુધી SRH માટે રમી રહ્યો છે, જ્યાં તેને પોતાની પ્રતિભા દેખાડવાની તક મળી છે.
અભિષેકનું IPLમાં પ્રદર્શન
અભિષેક શર્માએ અત્યાર સુધીમાં SRH માટે 74 મેચ રમી છે. આ દરમિયાન તેણે 27.10ની એવરેજથી 1753 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને 9 અડધી સદી સામેલ છે. આ ઉપરાંત તે ટીમ ઈન્ડિયા માટે 24 T20I મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે 36.91ની એવરેજથી 849 રન બનાવ્યા છે. તેમાં 2 સદી અને 5 અડધી સદી સામેલ છે.
એશિયા કપ 2025 દરમિયાન અભિષેક શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. શર્મા 2018માં ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ મહત્ત્વપૂર્ણ હિસ્સો હતો, તેણે બાંગ્લાદેશ સામે ક્વાર્ટર ફાઈનલમાં 50 રન બનાવ્યા હતા અને 11 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.