IPL 2025 ની પહેલી જ મેચમાં વિવાદ, સ્ટમ્પ પર બેટ વાગતા બેલ્સ પડી તો પણ નરૈન નોટઆઉટ કેવી રીતે?
IPL 2025: દેશની સૌથી વધુ પ્રચલિત IPL 2025ની શરૂઆત ગઈકાલે કેકેઆર અને આરસીબીના મુકાબલા સાથે થઈ ચૂકી છે. જેમાં આરસીબીએ સાત વિકેટ સાથે જીત હાંસલ કરી હતી. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયા છે. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર સુનીલ નરૈનનું બેટ સ્ટમ્પ પર વાગ્યુ હોવા છતાં એમ્પાયરે તેને હિટ વિકેટ આઉટ કર્યો ન હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના કેપ્ટન રજત પાટીદાર, બેટર વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓ એમ્પાયરના આ નિર્ણયથી હેરાન થયા હતાં.
કેમ એમ્પાયરે આઉટ ન આપ્યો
એમ્પાયરે કેમ સુનીલ નરૈનને હિટ વિકેટ આઉટ ન આપ્યો તેની પાછળ ક્રિકેટનો આ નિયમ જવાબદાર છે. સામાન્ય રીતે બેટિંગ કરતી વખતે બેટ કોઈ ક્રિકેટિંગ ગિયર અથવા શરીરના કોઈ અંગ કે સ્ટમ્પ પર વાગે તો બેટરને હિટ વિકેટ આઉટ આપવામાં આવે છે. પરંતુ આ કેસમાં આઉટ ન આપ્યો. કેકેઆરની બેટિંગ વખતે આઠમી ઓવરના ચોથો બોલ સુનીલ નરૈનની ઉપરથી પસાર થઈ ગયો હતો. સુનીલ નરૈને તે બોલ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ ઉપરથી જતો હોવાથી નરૈને પોતાનું બેટ નીચે કરી દીધુ હતું. તે સમયે તેનુ બેટ સ્ટમ્પ સાથે અથડાયુ હતું. જેથી તેને હિટ વિકેટ આઉટ આપવો જોઈતો હતો. પરંતુ અહીં નિયમ અલગ લાગુ થયો.
શું છે નિયમ
સુનીલ નરૈનનું બેટ સ્ટમ્પ સાથે અથડાયુ તે પહેલાં જ સ્ક્વેર લેગ એમ્પાયરે વાઈડ બોલ જાહેર કરી દીધો હતો. જેથી વાઈટ બોલ ડેડ સાબિત થયો. વાઈડ બોલમાં આઉટ મળતો ન હોવાથી નરૈન આઉટ થતાં બચી ગયો. આઈપીએલની પ્લેઈંગ શરત પણ આ પ્રકારની છે કે, જો બોલ ડેડ હોય તો તે સ્ટમ્પ કે શરીરને લાગે તો બેટરને હિટ વિકેટ આઉટ આપવામાં આવતો નથી. નિયમ 35 પણ આ જ દર્શાવે છે. વિરાટ કોહલી, ટીમ ડેવિડ, રજત પાટીદારે હિટ વિકેટ માટે અપીલ કરી હોવા છતાં વાઈડ બોલ હોવાથી એમ્પાયરે આઉટ આપ્યો નહીં. જો બોલ વાઈડ ન હોત તો નરૈને નિશ્ચિતપણે પેવેલિયન ભેગા થવુ પડ્યુ હોત.